કોરોના મહામારીમાં સ્વાસ્થ્યકર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે, તેથી તેને કોરોના વોરિયર્સનો દરજ્જાે આપવામાં આવ્યો છે. તો કેટલાક એવા કર્મચારી હોય છે, જેની હરકતોથી તમામ સમુદાયે નીચુ જાેવા જેવું થાય છે. આવો એક મામલો મહારાષ્ટ્રના અમરાવતીમાં સામે આવ્યો હતો, જ્યાં કોરોના ટેસ્ટના નામ પર એક લેબ ટેક્નીશિયને મહિલાના પ્રાઇવેટ પાર્ટથી સ્વેબ સેમ્પલ લીધું હતું. આ મામલામાં હવે અમરાવતી સેશન્સ કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન અમરાવતીમાં એક મોલ કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી, મોલના તમામ કર્મચારીઓને બડનેરાના ટ્રોમા કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. તમામ કર્મચારીઓના ટેસ્ટ લીધા બાદ દોષિત લેબ ટેકનિશિયન અલ્કેશ દેશમુખે એક મહિલા કર્મચારીને કહ્યું કે તેનો રિપોર્ટ પોઝિટિવ છે અને આગામી ટેસ્ટ માટે લેબમાં આવવું પડશે. આ પછી તેણે લેબમાં મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી સ્વેબ સેમ્પલ લીધા હતા.
આ રીતે સેમ્પલ લેવાયા બાદ મહિલાને શંકા ગઈ, તેણે તેના ભાઈને ફરિયાદ કરી. આ અંગે જિલ્લા હોસ્પિટલને પૂછતાં જાણવા મળ્યું કે આ રીતે સેમ્પલ લેવામાં આવતા નથી. આ પછી મહિલાએ લેબ ટેકનિશિયન વિરુદ્ધ બડનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલો છેલ્લા દોઢ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો.
હવે અમરાવતી સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવતા લેબ ટેકનિશિયનને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ૨૦ જુલાઈ ૨૦૨૦ના રોજ ગુનેગારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ પછી, આ ઘટનાનો વિરોધ કરીને, રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ આરોપીઓને કડક સજાની માંગ કરી હતી.