વૈષ્ણોદેવી મંદિર ખાતે થયેલી ભાગદોડની દુર્ઘટના બાદ પ્રત્યક્ષદર્શીઓ અને દુર્ઘટનામાં માંડ માંડ બચેલા લોકોએ શ્રાઈન બોર્ડ પર ઠીકરૂં ફોડ્યું છે. ઘટના સ્થળે ઉપસ્થિત લોકોના કહેવા પ્રમાણે નવા વર્ષને લઈ ખૂબ જ ભીડ હતી અને તેના મિસમેનેજમેન્ટના કારણે આ દુર્ઘટના બની. શનિવારે સવારે ૨ઃ૪૫ કલાકે થયેલી ભાગદોડના કારણે ૧૨ લોકોના મોત થયા છે અને ૧૪ લોકોને ઈજાઓ પહોંચી છે. ગાઝિયાબાદથી માતાના આશીર્વાદ માટે આવેલા એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે, આ દુખદ ઘટનાનું અન્ય કોઈ કારણ નથી સિવાય કે, કુપ્રબંધન.
તેમને ખબર હતી કે, આજે ભારે ભીડ જમા થઈ શકે છે છતાં પણ સતત લોકોને એન્ટ્રી આપવામાં આવી અને આ દુર્ઘટના બની. જાેકે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે આ તમામ આરોપોને નકારી દીધા છે.
શ્રાઈન બોર્ડના કહેવા પ્રમાણે ઉપસ્થિત ભીડને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી ઉપાયો કરવામાં આવ્યા હતા અને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના કહેવા પ્રમાણે ઘટના સમયે પોલીસ સંપૂર્ણપણે સજાગ હતી અને તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે તાત્કાલિક રિએક્ટ કર્યું હતું પરંતુ ત્યાં સુધીમાં નુકસાન થઈ ચુક્યું હતું. દિલબાગ સિંહના કહેવા પ્રમાણે કેટલાક યુવકો વચ્ચે વિવાદ થયો અને ત્યાર બાદ ધક્કામુક્કી થવા લાગી હતી. તે દરમિયાન લોકો પાછા હટવા લાગ્યા અને ભાગદોડની સ્થિતિ સર્જાઈ. ગોરખપુરના અરૂણ પ્રતાપ સિંહે આ દુર્ઘટનામાં પોતાનો મિત્ર ગુમાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા ૧૦ વર્ષથી વૈષ્ણોદેવી આવે છે પરંતુ આ વખત જેવી ભીડ કદી પણ ન જાેવા મળેલી. દુર્ઘટના સમયે તેઓ ખૂબ જ અસહાય હતા અને ૬ઃ૦૦ વાગ્યા સુધી કોઈ જ મદદ નહોતી મળી. અન્ય એક શ્રદ્ધાળુના કહેવા પ્રમાણે કોરોના ગાઈડલાઈન્સનું કોઈ પાલન પણ નહોતું જાેવા મળ્યું.