મહારાષ્ટ્રના નાસિકમાં એક આદિવાસી વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો છે કે એક પુરૂષ શિક્ષકે તેણીને અને અન્ય છોકરીઓને શાળામાં વૃક્ષારોપણની ઝુંબેશના ભાગરૂપે વૃક્ષો વાવવાથી રોકી હતી કારણ કે તે પીરિયડ્સમાં હતી અને કહ્યું હતું કે વૃક્ષો બળી જશે. આ મામલો સામે આવ્યા બાદ આદિજાતિ વિકાસ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તેની ફરિયાદમાં ધોરણ 12 (સાયન્સ)ની વિદ્યાર્થીનીએ દાવો કર્યો છે કે શિક્ષકે તેને અને અન્ય છોકરીઓને કહ્યું હતું કે તમે પીરિયડ્સમાં છે એટલે વૃક્ષો વાવશો તો તે વધશે નહીં અને બળી જશે.
જે છોકરીએ આક્ષેપ કર્યો છે તે ત્ર્યંબકેશ્વર બ્લોકના દેવગાંવમાં કન્યાઓ માટે ચલાવવામાં આવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક નિવાસી શાળાની વિદ્યાર્થીની છે.આદિજાતિ વિકાસ વિભાગ (TDD)ના એક વરિષ્ઠ અધિકારીએ ફરિયાદ મળવાની પુષ્ટિ કરી છે. તે જ સમયે, આ મામલાને લઈને એડિશનલ કમિશનર સંદીપ ગોલેટે જણાવ્યું હતું કે, ‘આ મામલે વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સુપ્રિટેન્ડેન્ટ અને પ્રિન્સિપાલ સહિત તમામના નિવેદન લેવામાં આવશે અને તપાસ કરવામાં આવશે.’ બુધવારે, નાસિક જિલ્લાના અધિક કલેક્ટર અને ટીડીડી પ્રોજેક્ટ ઓફિસરે શાળામાં વિદ્યાર્થીની સાથે મુલાકાત કરી અને તેની સમસ્યાઓ વિશે પૂછપરછ કરી.
ફરિયાદમાં કહેવાયું છે કે શિક્ષકે પાછલા અઠવાડિયે શાળાના પરિસરમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન પીરિયડ્સવાળી છોકરીઓને વૃક્ષો વાવવાનું ટાળવા કહ્યું હતું. શાળામાં 500 વિદ્યાર્થીનીઓ છે. શિક્ષકે વિદ્યાર્થીઓને ઝાડની નજીક ન જવા કહ્યું, કારણ કે ગયા વર્ષે વાવેલા રોપા માસિક ધર્મના કારણે ઉગ્યા ન હતા. ફરિયાદી વિદ્યાર્થિનીએ કહ્યું કે, તે એક છોડ રોપી શકી નથી. આ પછી યુવતીએ શ્રમજીવી સંગઠનના નાસિક જિલ્લા સચિવ ભગવાન માધેનો સંપર્ક કર્યો. માધે જણાવ્યું હતું કે છોકરી પુરુષ શિક્ષકનો વિરોધ કરી શકતી નથી કારણ કે તે તેના વર્ગનો શિક્ષક હતો અને તેણે તેને ધમકી આપી હતી કે 80 ટકા મૂલ્યાંકન ગુણ શાળા સત્તાવાળાઓના હાથમાં છે.