ઉત્તરાખંડમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આરોપીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા બાદ અંકિતા હત્યા કેસના આરોપી પુલકિત આર્યના રિસોર્ટ પર વહીવટીતંત્રે બુલડોઝર ફેરવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર સીએમના સ્પેશિયલ પ્રિન્સિપલ સેક્રેટરી અભિનવ કુમારે જણાવ્યું કે સીએમના આદેશ પર પુલકિત આર્યના ઋષિકેશના વંતરા રિસોર્ટમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ સાથે જ મુખ્યમંત્રીના આદેશથી આરોપીઓની મિલકતો પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પૌરીના શ્રીકોટની રહેવાસી અંકિતા ગંગા ભોગપુર વિસ્તારના વંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને 19 સપ્ટેમ્બરથી ગુમ હતી. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી – રિસોર્ટ ઓપરેટર પુલકિત આર્ય, મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તા. મુખ્ય આરોપી પુલકિત હરિદ્વારના બીજેપી નેતા વિનોદ આર્યનો પુત્ર હોવાનું કહેવાય છે. વિનોદ આર્ય ભૂતકાળમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે.
આર્યને ઉત્તરાખંડ માટી કલા બોર્ડના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક સાથે રાજ્ય મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જો કે, રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટનાને દુ:ખદ ગણાવીને આ જઘન્ય અપરાધના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.