કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને પાંચમો મેડલ મળ્યો છે. જેરેમી લાલરિનુંગાએ પુરુષોની વેઈટલિફ્ટિંગ 67 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેરેમી લાલરિનુંગાએ સ્નેચમાં રેકોર્ડ 140 કિલો વજન ઉપાડ્યું જ્યારે તે ક્લીન એન્ડ જર્કમાં 160 કિલો વજન ઉપાડવામાં સફળ રહ્યો. એટલે કે એક ગેમ્સ રેકોર્ડ બનાવીને તેણે કુલ 300 કિલો વજન ઉપાડ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો.
જેરેમી લાલરિનુંગા ક્લીન એન્ડ જર્ક રાઉન્ડ દરમિયાન બે વખત ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ તેણે હાર ન માની અને દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો. આ ઈવેન્ટમાં સમોઆના વાપવા નેવોએ સિલ્વર અને નાઈજીરિયાની. જોસેફે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ખાસ વાત એ છે કે કોમનવેલ્થ 2022માં ભારતને વેઈટલિફ્ટર્સ દ્વારા અત્યાર સુધીમાં પાંચ મેડલ મળ્યા છે. જ્યાં ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ 49 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો.
બીજી તરફ સંકેત મહાદેવ સરગરે પુરુષોની 55 કિગ્રા વજન વર્ગમાં અને બિંદિયારાની દેવીએ મહિલાઓની 55 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય ગુરુરાજા પૂજારી 61 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. જેરેમીએ 2018 સમર યુથ ઓલિમ્પિક્સમાં છોકરાઓની 62 કિગ્રા વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેરેમીએ સ્નેચ રાઉન્ડ 124 અને ક્લીન એન્ડ જર્કમાં 150 કિલો વજન ઉપાડ્યું. એટલે કે જેરેમીએ કુલ 274 કિલો વજન ઉઠાવીને આ મેડલ જીત્યો હતો.
આ સાથે જેરેમી યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. ત્યાર બાદ જેરેમીએ એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. 19 વર્ષીય જેરેમી લાલરિનુંગાએ ગયા વર્ષે યોજાયેલી કોમનવેલ્થ ચેમ્પિયનશીપની પુરુષોની 67 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ક્વોલિફાય કર્યું હતું. તાશ્કંદમાં યોજાયેલી આ સ્પર્ધામાં જેરેમી લાલરિનુંગાએ 305 કિલો વજન ઉપાડીને આ સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. 2018 યુથ ઓલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા જેરેમી લારીનુંગાએ સ્નેચમાં 141 અને ક્લીન એન્ડ જર્કમાં 164 કિગ્રાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો.