ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. માર્ગ અકસ્માતના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ માર્ગ અકસ્માત મુંબઈ નજીક પાલઘરમાં થયો હતો. અકસ્માત બાદ મિસ્ત્રીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જ્યારે તેમની કાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ડિવાઈડર સાથે અથડાઈ હતી, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, આ અકસ્માત બપોરે 3.15 વાગ્યે થયો જ્યારે મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ મર્સિડીઝ કારમાં જઈ રહ્યા હતા. ઘટના સૂર્યા નદી પર બનેલા પુલની છે. કારના ડ્રાઈવર સહિત તેની સાથે મુસાફરી કરી રહેલા અન્ય બે લોકોને ઈજા થઈ હતી. તમામ ઘાયલોને ગુજરાતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાલાસાહેબ પાટીલએ જણાવ્યું કે આ એક સામાન્ય માર્ગ અકસ્માત હોય તેવું લાગે છે. તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પણ ઉડી ગઈ હતી. મિસ્ત્રી સાથે કારમાં હાજર અન્ય એક વ્યક્તિનું મોત થયું છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ ટાટા સન્સના ભૂતપૂર્વ વડા સાયરસ મિસ્ત્રીના મૃત્યુના સમાચાર સાંભળીને આઘાતમાં છે. તેમણે કહ્યું, “સાયરસ મિસ્ત્રી માત્ર એક સફળ ઉદ્યોગસાહસિક જ નહોતા પરંતુ તેઓ ઉદ્યોગમાં એક યુવાન, તેજસ્વી અને ભવિષ્યવાદી વ્યક્તિત્વ તરીકે જોવામાં આવતા હતા. એક કુશળ ઉદ્યોગસાહસિકનું અવસાન થયું છે. તે માત્ર મેસન્સના પરિવાર માટે જ નહીં પરંતુ દેશ માટે પણ આઘાતજનક છે. તે ભારતના ઔદ્યોગિક જગત માટે પણ મોટી ખોટ છે. તેમને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.
સાયરસ પલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ થયો હતો. તેઓ શાપૂરજી પલોનજી ગ્રુપના વડા પલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. તેમણે તેમનો પ્રારંભિક અભ્યાસ મુંબઈની કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાંથી કર્યો હતો અને ત્યારબાદ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા લંડન ગયા હતા. તેઓ ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. જણાવી દઈએ કે 2012માં રતન ટાટાના રાજીનામા બાદ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સનું ચેરમેન પદ સોંપવામાં આવ્યું હતું.
તેઓ બીજા એવા વ્યક્તિ હતા જેમને તેમની અટકમાં ટાટા ન હોવા છતાં આ જૂથની કમાન સોંપવામાં આવી હતી. જો કે, રતન ટાટા સાથેના મતભેદોને પગલે સાયરસ મિસ્ત્રીને ઓક્ટોબર 2016માં ટાટા સન્સના ચેરમેન પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2019 માં, કંપની લો ટ્રિબ્યુનલે મિસ્ત્રીને જૂથના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પુનઃસ્થાપિત કર્યા. પરંતુ તે પહેલા ફેબ્રુઆરી 2017માં તેમને ટાટા સન્સના બોર્ડમાં ડિરેક્ટર પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.