Kolkata Doctor Rape Murder Case: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ફરજ પરની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં કોર્ટ શનિવારે (18 જાન્યુઆરી, 2025) પોતાનો ચુકાદો સંભળાવશે. આ ઘટનાને પગલે દેશભરમાં ડોકટરો અને અન્ય લોકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંજય રોય મુખ્ય આરોપી છે. તે એક નાગરિક સ્વયંસેવક હતો જેણે શહેર પોલીસ સાથે મળીને કામ કર્યું હતું. ડોક્ટરની લાશ મળ્યાના એક દિવસ બાદ 10 ઓગસ્ટે કોલકાતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસે સંજય રોયની ધરપકડ કરી હતી.
પોલીસે પીડિતાના મૃતદેહ નજીકથી મળેલા બ્લૂટૂથ ઇયરફોનના આધારે સંજય રોયની ધરપકડ કરી હતી. કલકત્તા હાઈકોર્ટે આ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપ્યો હતો. કલકત્તા હાઈકોર્ટે આ ગુના બાદ તરત જ પોલીસ અને રાજ્ય સરકારના વલણ અંગે આકરી ટીપ્પણી કરી હતી.
તપાસ એજન્સીએ પુરાવાનો નાશ કરવાના આરોપમાં આરજી કારના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશન અધિકારી અભિજિત મંડલની પણ ધરપકડ કરી હતી. જો કે તપાસ એજન્સી .90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ જતા બંનેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
બળાત્કાર બાદ બે વાર ગળું દબાવીને હત્યા
ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાએ આખા દેશને ચોંકાવી દીધો હતો. 9 ઓગસ્ટ 2024 ની સવારે, ઉત્તર કોલકાતાની સરકારી મેડિકલ કોલેજ આરજી કાર ખાતે એક તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પર ઈજાના અનેક નિશાન હતા. આ પછી, મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીએ પહેલા પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. આરોપીએ તેના મોતની પુષ્ટિ કરવા માટે બે વાર તેનું ગળું દબાવી દીધું હતું.
સૌથી પહેલા સમાચાર સામે આવ્યા કે ડોક્ટરે આત્મહત્યા કરી લીધી છે. પાછળથી જાણવા મળ્યું હતું કે તાલીમાર્થી ડોક્ટરની લાક હોસ્પિટલના સેમિનાર હોલ (ત્રીજા માળે) માંથી મળી આવી હતી અને તેના કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા. ત્યારે આ કેસમાં હત્યા અને બળાત્કારનો એંગલ સામે આવ્યો હતો. આ પછી ૧૦ ઓગસ્ટે સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી. સંજય રોયે ડોક્ટર પર નશાની હાલતમાં બળાત્કાર ગુજાર્યો હતો અને પકડાઈ જવાના ડરથી તેની હત્યા કરી હતી. ઘટનાની રાતે તે અનેકવાર હોસ્પિટલની અંદર આવીને જતો રહ્યો હતો.
PM મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોનું કર્યું ઉદઘાટન, નવી કારોનું પ્રદર્શન થશે, જાણો વિગતો
પુરા દેશમાં થયું પ્રદર્શન
આ પછી 11 ઓગસ્ટના રોજ આ મામલાએ એટલું ધ્યાન ખેંચ્યું કે આખા દેશમાં પ્રદર્શન શરૂ થઈ ગયા. 12 ઓગસ્ટે બંગાળના સીએમ મમતા બેનર્જીએ પોલીસને આ કેસમાં આરોપીઓને પકડવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો. તપાસ આગળ વધતાં આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો.સંદિપ ઘોષનું નામ પણ સામે આવ્યું હતું, જે બાદ તેમણે રાજીનામું પણ આપી દીધું હતું.