અલંગનલ્લૂર ખાતે તમિલનાડુની લોકપ્રિય રમત જલ્લિકટ્ટુ પોતાના ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રવેશવાની સાથે જ સોમવારે શરૂ થઈ ગઈ છે. જાેકે તેની શરૂઆત સાથે જ કાર્યક્રમમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે જેમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓના કહેવા પ્રમાણે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે.
તમિલનાડુ સરકારે ગત સપ્તાહે જલ્લિકટ્ટુ રમત માટે મંજૂરી આપી ત્યાર બાદ ત્યાંના લોકો તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ જલ્લિકટ્ટુમાં અત્યાર સુધીમાં ૧૦૦ કરતાં પણ વધારે લોકો ઘાયલ થયા છે. ૧૪ જાન્યુઆરીના રોજ અવનિયાપુરમ ખાતે શરૂ થયેલા આ કાર્યક્રમમાં પહેલા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ત્યાર બાદ તિરૂચિ ખાતે પણ એક વ્યક્તિનું મોત થયું હતું.
૧૪ જાન્યુઆરીના રોજ અવનિયાપુરમ ખાતે શરૂ થયેલા આ કાર્યક્રમમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને સાંઢના માલિકો અને દર્શકો સહિત આશરે ૮૦ લોકોને ઈજાઓ પહોંચી હતી.
હકીકતે જલ્લિકટ્ટુએ પોંગલ તહેવારના એક ભાગ તરીકે રમાતી પ્રાચીન રમતોમાંથી એક છે. મદુરાઈના અલંગનલ્લૂર, પલામેડુ, અવનિયાપુરમ ખાતે તેનું આયોજન કરવામાં આવે છે અને તે એક પરંપરાગત તહેવાર છે. તેમાં એક સાંઢને ભીડમાં છૂટો મુકવામાં આવે છે અને અનેક લોકો સાંઢની પીઠ પર રહેલી ખૂંધને પકડવાનો પ્રયત્ન કરે છે. છેલ્લા કેટલાક સમયથી આ રમત હિંસક બની રહી છે.