અમદાવાદઃ દેશ-વિદેશમાં સહકારિતા ક્ષેત્રે મોટું નામ ધરાવનાર અમૂલ (આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ) દ્વારા એક પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવામાં આવી છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પ્રતિબંધ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે. કારણ કે એક સ્ટ્રો (પીણું પીવા માટે વપરાતી નાનકડી પાઇપ)ને કારણે અમૂલ સાથે સંકળાયેલા લાખો પશુપાલકોને નુકસાન થઇ શકે તેમ છે. તારીખ 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખાયેલા આ પત્રમાં અપીલ કરાઇ છે. પહેલી જુલાઈથી લાગુ થનારા સ્ટ્રો પરના અમલી બનનારા નવા પ્રતિબંધ પૂર્વે આ પત્ર લખવામાં આવ્યો છે. નોંધનીય છે કે અમૂલ દર વર્ષે પ્લાસ્ટિકની સ્ટ્રો સાથે એટેચ્ડ અબજો નાના ડેરી કાર્ટન્સનું વેચાણ કરે છે, જેમાં છાશ, ફ્લેવર્ડ મિલ્ક સહિતનો સમાવેશ થાય છે.
અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીની સહીવાળા પત્રમાં આઠ અબજ ડોલરના મૂલ્યવાળા જૂથે જણાવ્યું છે કે સ્ટ્રોની મદદથી દૂધના વપરાશને વેગ આપવામાં વૃદ્ધિ મળી છે. એમડી સોઢીએ આ પત્રમાં લખ્યું હતું કે જો મોદી સરકાર આ નિર્ણયનો અમલ પાછો ઠેલે તો દસ કરોડ જેટલા દૂધ ઉત્પાદકો માટે આ અત્યંત રાહતરૂપ બાબત હશે. જોકે અમૂલના એમડી સોઢી દ્વારા પોતાના આ પત્ર અંગે કોઇ સત્તાવાર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. પહેલી જુલાઈથી આ પ્રતિબંધનો અમલ શરૂ થયા પછી અમુલ સ્ટ્રો વગર તેના પેક વેચશે.
અમુલના પાંચ રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીના બેવરેજીસ પેકમાં જુસ અને મિલ્ક પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. સરકારે ઘણા લાંબા સમય પહેલાથી જાહેરાત કરી હતી કે દેશમાં પહેલી જુલાઇથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવામાં આવશે અને ઉપયોગ કરનારા સામે પગલાં લેવામાં આવશે. અમૂલની જેમ જ ઠંડા પીણા વેચનારી અન્ય કેટલીક કંપનીઓને પણ સ્ટ્રો અંગેનો આ મુદ્દો નડી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.