ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પુણેમાં ૫ મસ્જિદોની વ્યવસ્થા સમિતિ અને સમુદાયના કેટલાક અન્ય સીનિયર લોકોએ ઈદ દરમિયાન ડીજે ન વગાડવાનું અને તેમના માટે એકત્ર કરવામાં આવેલી રકમનો ઉપયોગ ગરીબો અને જરૂરિયાતમંદ માટે કરવાનો ર્નિણય લીધો છે. આ કેસમાં આગળ આવનાર લોકોએ યુવાનોને ૨ મેના રોજ ઈદના તહેવાર પર મોટા અવાજમાં ડીજે ન વગાડવા માટે જણાવ્યું છે.
મહારાષ્ટ્રમાં લોહિયા નગર વિસ્તારમાં ભારતીય અંજુમન કાદરિયા મસ્જિદના ઈમામ મોલાના મોહસિન રઝાએ જણાવ્યું કે, તેજ ડીજેની આડઅસરોની બધાને ખબર છે કે, તે બીમાર લોકો અને નબળા હૃદયવાળા માટે હાનિકારક છે. તેમણે જણાવ્યું કે, અમે આ વિસ્તારની ૫ મસ્જિદોની એક કોર સમિતિ બનાવી છે અને તેમના ઈમામો અને અન્ય સદસ્યો તથા સમુદાયના અન્ય વરિષ્ઠ લોકો બેઠક કરી છે અને ઈદ દરમિયાન ડીજે ન વગાડવાનો ર્નિણય લીધો છે.
તેમણે કહ્યું કે, ડીજે માટે જે પૈસા એકત્ર કરવામાં આવે છે તેનો ઉપયોગ ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ માટે કરવામાં આવશે. મસ્જિદોમાં લાઉડસ્પીકરના વિવાદ વિશે પૂછતા તેમણે જણાવ્યું કે, ક્ષેત્રની બધી ૫ મસ્જિદોમાં ધ્વનિ પ્રદૂષણના સબંધમાં સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશનું પાલન કરી રહ્યા છે અને અજાન વખતે અવાજ ઓછો રાખવામાં આવે છે.
આ કોર કમિટીના સદસ્ય અને ઉર્દુના શિક્ષક યૂનુસ સલીમ શેખે કહ્યું કે, આ પ્રકારની સમિતિનું ગઠન સામાજિક મુદ્દાઓને ઉકેલવાની દિશામાં એક સારું પગલું છે. સ્થાનિક નિવાસી અને પૂર્વ પાર્ષદ યુસુફ શેખે કહ્યું કે, ઈદના જશ્ન દરમિયાન ડીજે ન વગાડવાના ર્નિણયને સારી પ્રતિક્રિયા મળી રહી છે. આશા છે કે, શહેરના અન્ય હિસ્સાઓમાં પણ આવું કરવામાં આવે.