દેશના યુવા મતદારો માટે મોટા સમાચાર છે. હવે મતદાર કાર્ડ મેળવવા માટે 18 વર્ષની ઉંમર હોવી જરૂરી નથી, પરંતુ 17 વર્ષની ઉંમરે તમે વોટર આઈડી માટે અરજી કરી શકશો. ભારતના ચૂંટણી પંચે આ મોટી જાહેરાત કરતા માર્ગદર્શિકા બહાર પાડી છે.
ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર, જે લોકો 1 જાન્યુઆરી, 2023ના રોજ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી રહ્યા છે, તેઓ પણ વોટર આઈડી કાર્ડ માટે અરજી કરી શકે છે. હવે એ જરૂરી નથી કે યુવક 18 વર્ષનો થાય ત્યારે જ અરજી કરી શકે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેએ તમામ રાજ્યોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને નવા નિયમો અને સૂચનાઓ જારી કરી છે.
ચૂંટણી પંચ (ECI) એ ગુરુવારે તેના નવા નિર્દેશોમાં જણાવ્યું હતું કે નાગરિકો હવે મતદાર યાદીમાં તેમના નામ એડવાન્સમાં ઉમેરવા માટે અરજી કરી શકશે. આ સાથે હવે યુવાનો વર્ષમાં ત્રણ વાર વોટર આઈડી માટે અરજી કરી શકશે. જેમાં કહેવામાં આવ્યું હતું કે 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરના રોજ કોઈ પણ વ્યક્તિ વોટર આઈડી માટે અરજી કરી શકે છે.
ચૂંટણી પંચે તમામ રાજ્યોના સીઈઓ, ઈઆરઓ, ઈરોને પણ ટેક સક્ષમ ઉકેલો પર કામ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ માટે ચૂંટણી પંચ નવું રજીસ્ટ્રેશન ફોર્મ લાવવા જઈ રહ્યું છે, જેના માટે તમારે આધાર કાર્ડની માહિતી આપવી પડશે. જો કે, તે ફરજિયાત નથી અને અરજદાર આ માહિતી સ્વેચ્છાએ આપી શકે છે.