રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાની અસર હવે સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG સિલિન્ડર)ના ભાવમાં વધારો કર્યો છે. આ પહેલા કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો હતો. આના થોડા દિવસો પહેલા મોટી દૂધ કંપનીઓએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2-5 રૂપિયાનો વધારો કર્યો હતો. આ રીતે સામાન્ય લોકો એક સાથે મોંઘવારીનો ભોગ બન્યા છે.
મંગળવારથી 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 50 રૂપિયા મોંઘા થયા છે. ઘણા મહિનાના અંતરાલ બાદ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. છેલ્લી વખત ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરો 6 ઓક્ટોબર 2021ના રોજ બદલાયા હતા. દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 949.5 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે 899.50 રૂપિયા હતો.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 976 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ કોલકાતામાં તેની કિંમત 926 રૂપિયા હતી. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 987.5 રૂપિયા થઈ ગઈ છે. પટનામાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1047.5 રૂપિયા થઈ ગઈ છે.