બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે પંજાબ નેશનલ બેંક (PNB) અને NPCI સાથે મળીને ક્રેડિટ કાર્ડની ઓફર કરી છે. ગયા અઠવાડિયે લોન્ચ કરાયેલા આ ક્રેડિટ કાર્ડ સાથે ઘણી આકર્ષક સુવિધાઓ આપવામાં આવી છે. તેની વિશેષતા ઓછી ફી અને ઊંચી મર્યાદા છે.
આ અંગે NPCIએ પોતાના એક નિવેદનમા કહ્યુ છે કે પતંજલિ આયુર્વેદ લિમિટેડ અને PNBએ સંયુક્ત રીતે સ્વદેશી પ્લેટફોર્મ RuPay આધારિત ક્રેડિટ કાર્ડ રજૂ કર્યું છે. અત્યારે તેના બે વેરિઅન્ટ PNB RuPay Platinum અને PNB RuPay સિલેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. આ બંને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ કોન્ટેક્ટલેસ છે. તેમની સાથે કેશબેક, લોયલ્ટી પોઈન્ટ્સ, ઈન્સ્યોરન્સ કવર જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે.
ગ્રાહકોને આ ક્રેડિટ કાર્ડથી પતંજલિના સ્ટોર પર શોપિંગ કરવા પર કેશબેક મળશે. જ્યારે પણ તમે રૂ. 2,500થી વધુની ખરીદી કરશો ત્યારે તમને 2 ટકા કેશબેક મળશે. જો કે, આ કેશબેક એક ટ્રાન્ઝેક્શન પર 50 રૂપિયાથી વધુ નહીં હોય. આ સિવાય કાર્ડ એક્ટિવેટ થતાં જ 300 રિવોર્ડ પોઈન્ટ્સ મળશે. કાર્ડધારકોને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લાઉન્જ એક્સેસ, એડ-ઓન કાર્ડ સુવિધા, રોકડ એડવાન્સ, EMI, ઓટો ડેબિટ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
આ બંને ક્રેડિટ કાર્ડથી કાર્ડધારકોને વીમાનો લાભ પણ મળશે. આકસ્મિક મૃત્યુના કિસ્સામાં બંને કાર્ડ પર 2 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે. આ સિવાય વ્યક્તિગત કુલ વિકલાંગતા માટે 10 લાખ રૂપિયાનું વીમા કવચ ઉપલબ્ધ રહેશે. પ્લેટિનમ કાર્ડની મર્યાદા રૂ.25 હજારથી રૂ.5 લાખ સુધીની છે, જ્યારે સિલેક્ટ કાર્ડની મર્યાદા રૂ.50 હજારથી રૂ.10 લાખ સુધીની છે.
પ્લેટિનમ કાર્ડ પર કોઈ જોઇનિંગ ફી નથી, જ્યારે વાર્ષિક ફી રૂ 500 છે. બીજી તરફ, સિલેક્ટ કાર્ડ માટે જોઇનિંગ ફી રૂ 500 છે અને વાર્ષિક ફી રૂ 750 છે. વાર્ષિક ફી માફ કરવામાં આવે છે જો તેનો ઉપયોગ કોઈપણ વર્ષના તમામ ક્વાર્ટરમાં ઓછામાં ઓછો એક વખત કરવામાં આવે. આ બંને કાર્ડ PNB Genie મોબાઈલ એપ દ્વારા મેનેજ કરી શકાય છે.