મુંબઈ ટ્રાફિક પોલીસની ચિંતા ત્યારે વધી ગઈ જ્યારે એક વ્યક્તિએ તેમને મેસેજ કર્યો કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નુકસાન પહોંચાડવાનો છે. જોકે, બાદમાં તપાસ દરમિયાન બધુ સ્પષ્ટ થઈ ગયું અને મેસેજ અને ઓડિયો ક્લિપ નકલી હોવાનું બહાર આવ્યું. આ પહેલીવાર નથી કે જ્યારે ટ્રાફિક પોલીસને આવા મેસેજ મળ્યા હોય. ઓગસ્ટમાં પણ એક વ્યક્તિએ 26/11 જેવો હુમલો થયો હોવાનો દાવો કર્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, શંકાસ્પદનું લોકેશન પશ્ચિમ બંગાળમાં ટ્રેસ કરવામાં આવ્યું છે. તેણે પોલીસને એક ડઝનથી વધુ ઓડિયો ક્લિપ્સ, અલગ-અલગ લોકોના ફોટા, એક કંપનીના એમડીનો ફોટો, એક આધાર કાર્ડ અને વોટ્સએપ હેલ્પલાઈન નંબર સહિતની ઘણી વસ્તુઓ મોકલી છે. પોલીસને જાણવા મળ્યું છે કે વ્યક્તિની માનસિક સ્થિતિ સારી નથી. એક પોલીસ અધિકારીએ કહ્યું, ‘જ્યારે અમે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે મેસેજ મોકલનાર માનસિક રીતે સ્થિર નથી. તેણે તાજેતરમાં તેનો ભાઈ ગુમાવ્યો હતો અને 4 મહિના પહેલા તેની નોકરી પણ ગુમાવી હતી. પોલીસને જાણવા મળ્યું છે કે શંકાસ્પદ કેરળમાં સોનાના શોરૂમમાં કામ કરતો હતો.
મેસેજ મળતાની સાથે જ ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ વરલી પોલીસ સ્ટેશનને જાણ કરી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે કેસની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું. આ મામલે કોઈ FIR નોંધવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે તેમને જાણવા મળ્યું છે કે શંકાસ્પદ ઘણી વખત કહેતો હતો કે તે કેરળમાં તેના કામના સ્થળે ભૂત જુએ છે. નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ તે પશ્ચિમ બંગાળમાં પોતાના ઘરે આવ્યો હતો. પોલીસે કહ્યું કે શંકાસ્પદ પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે દાઉદના બે માણસો તેની સાથે જ્વેલરી યુનિટમાં કામ કરતા હતા.