વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બે દિવસીય યાત્રા અંતર્ગત જાપાનની રાજધાની ટોક્યો ખાતે પહોંચ્યા છે. ટોક્યો પહોંચ્યા બાદ વહેલી સવારે તેમણે હોટેલ ન્યૂ ઓટાનીની બહાર તેમના સ્વાગત માટે રાહ જાેઈ રહેલા બાળકો સાથે ખાસ સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન રિત્સુકી કોબાયાશી નામના એક બાળકની હિન્દી ભાષાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા.
વડાપ્રધાને રિત્સુકીને ઓટોગ્રાફ આપવાની સાથે તેની પ્રશંસા પણ કરી હતી. સાથે જ, ‘વાહ! તમે હિન્દી ક્યાંથી શીખ્યા?.. તમે તેને સારી રીતે જાણો છો?’ તેવો સવાલ પણ કર્યો હતો. રિત્સુકી કોબાયાશી નામનો આ બાળક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ખૂબ જ આનંદિત જણાઈ રહ્યો હતો. તેણે કહ્યું કે, પીએમ મોદીએ મારો સંદેશો વાંચ્યો, જે મેં કાગળ પર લખ્યો હતો અને આ જ કારણ છે કે, હું ખૂબ જ ખુશ છું અને એટલે સુધી કે મને તેમના ઓટોગ્રાફ પણ મળ્યા.
વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ત્યાં ઉપસ્થિત એક મહિલાએ જણાવ્યું કે, ‘અમને જાપાનમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતાં ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. તેમની ઉર્જા સકારાત્મક છે. તેમણે અમને દરેક જગ્યાએ ગૌરવાન્વિત કર્યા છે.’ ભારતીય પ્રવાસીઓએ ૨ દિવસની યાત્રા અંતર્ગત જાપાન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ જ જાેરદાર સ્વાગત કર્યુંહતું. આ દરમિયાન વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ ગૂંજી ઉઠ્યા હતા. વડાપ્રધાન મોદી જાપાનીઝ વડાપ્રધાન ફુમિયો કિશિદાના નિમંત્રણ પર ૨૪ મેના રોજ યોજાનારા ક્વાડ શિખર સંમેલનમાં સહભાગી બનવા માટે ટોક્યો પહોંચ્યા છે.
ટોક્યો પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ ટિ્વટમાં લખ્યું હતું કે, ‘ટોક્યો પહોંચ્યો. આ યાત્રા દરમિયાન ક્વાડ શિખર સંમેલન સહિત વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઈશું. સાથે જ ક્વાડ નેતાઓની મુલાકાત લઈશું. જાપાની વ્યાપાર જગતના નેતાઓ અને વાઈબ્રન્ટ ભારતીય પ્રવાસીઓ સાથે પણ વાતચીત થશે.’ ટોક્યો ખાતે યોજાનારી આ બેઠક ક્વાડ નેતાઓની ચોથી બેઠક હશે. નેતાઓ તેમાં ક્વાડ પહેલ અને કાર્ય સમૂહોની પ્રગતિ અંગેની સમીક્ષા કરશે. સહયોગના નવા ક્ષેત્રોની ઓળખ કરશે તથા ભવિષ્યના સહયોગ માટે રણનૈતિક માર્ગદર્શન તૈયાર કરશે.