ભારતમાં અંદાજે છેલ્લા એક દશકથી સત્તા હાંસલ કરવા અને સામાન્ય જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે અને તેને લાગુ કરવા માટે જાહેર સંપત્તિમાંથી કરોડો-અબજાે રૂપિયાનો વેડફાટ કરવામાં આવે છે. દેશના ટોચના બ્યુરોક્રેટ્સે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેતવ્યા છે.
વડાપ્રધાન મોદી સાથે વરિષ્ઠ અમલદારોની મેરેથોન બેઠકમાં ઘણા રાજ્યો દ્વારા જાહેર કરાયેલી લોકલુભાવન યોજનાઓ પર ચિંતા વ્યક્ત કરાઈ હતી અને દાવો કર્યો હતો કે તેઓ નાણાંકીય રીતે અસ્થિર હોવા છતાં આ પ્રકારની યોજનાઓ લાગુ કરીને ભારણ વધારી રહ્યાં છે. શનિવારે પીએમ મોદીએ પોતાની ઓફિસમાં તમામ વિભાગોના સચિવો સાથે ચાર કલાક લાંબી બેઠક યોજી હતી.
આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વડા પ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા અને કેબિનેટ સચિવ રાજીવ ગૌબા સહિત કેન્દ્ર સરકારના અન્ય ટોચના બ્યુરોક્રેટ્સોએ પણ હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ આ બેઠકમાં કહ્યું કે આ પ્રકારની લોકપ્રિય અને અવ્યવહારુ યોજનાઓ અર્થતંત્રને શ્રીલંકા જેવા જ માર્ગ પર લઈ જઈ શકે છે.
પીએમ મોદીએ અધિકારીઓને સંસાધનોની અછતનું સંચાલન કરવાની માનસિકતામાંથી બહાર આવીને સરપ્લસના સંચાલનના નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે સ્પષ્ટપણે જણાવ્યું હતું. પીએમ મોદીએ મોટા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની આડમાં “ગરીબી”નું બહાનું બનાવવાની જૂની વાર્તા છોડી દેવા કહ્યું અને તેમને મોટો અભિગમ અપનાવવા જણાવ્યું છે. પોતાના વિભાગની સાથે અન્ય વિભાગોના નીતિ-નિયમોની છટકબારીઓ પર સીધી જ પીએમઓનું ધ્યાન દોરવા અને તમામ સરકારી યોજનાઓ અને અન્ય મુદ્દાઓ પર પ્રતિસાદ આપવા સચિવોને સૂચવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ પછી સચિવો સાથે મોદીની આ નવમી બેઠક હતી. સૂત્રોએ જણાવ્યું હતું કેબે સચિવોએ એક રાજ્યમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં જાહેર કરાયેલી લોકોને આકર્ષવા માટેની ફ્રી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એક રાજ્ય જે નબળી આર્થિક સ્થિતિમાં છે ત્યાં રાજકીય સત્તા આંચકવા માટે અન્ય રાજ્યોની સમકક્ષ યોજનાઓની જાહેરાતો થાય છે જે હવે તે રાજ્યોના આર્થિક બોજમાં વધારો કરશે.
આ સિવાય અન્ય રાજ્યોમાં પણ હવે આ ફ્રી સ્કીમો ફેલાશે તો દેશ આર્થિક રીતે કથળતો જશે. ચેતવું જાેઈએ કે આપણે પણ શ્રીલંકા જેવા જ માર્ગ પર તો નથી જઈ રહ્યાં ને. શ્રીલંકા હાલમાં ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લંકા નગરીમાં ઈંધણ, રાંધણગેસ અને આવશ્યક ચીજવસ્તુઓની અછતને કારણે લોકોને લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. આર્મીની નજરમાં દરેક વસ્તુનું સંચાલન જરૂરી બન્યું છે અને સમગ્ર દેશમાં અંધારપટ છવાઈ ગયો છે.