ફ્લિપકાર્ટ અને એમેઝોન હાલમાં દેશના ઈ-કોમર્સ માર્કેટમાં પ્રભુત્વ જમાવી રહ્યાં છે. નાના દુકાનદારો સાથે ભેદભાવ કરતા આ પ્લેટફોર્મ વિશે ઘણી ફરિયાદો મળ્યા બાદ હવે સરકારે એક નવા પ્રકારનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. સરકાર આખા દેશમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલી આ યોજનાને ધીરે-ધીરે લાગુ કરશે. સરકારે જે નવું ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવ્યું છે તે ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક (ONDC) છે. તે UPI પ્રકારના પ્રોટોકોલ જેવું જ છે જે ડિજિટલ પેમેન્ટ માટે રચાયેલ છે. અત્યારે તેને પ્રાયોગિક ધોરણે 5 શહેરોમાં શરૂ કરવામાં આવી છે.
આ સંદર્ભમાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “UPI પછી, વાણિજ્ય ક્ષેત્રના લોકશાહીકરણ માટે અન્ય એક ગેમ ચેન્જર વિચાર ONDC છે. આ પ્લેટફોર્મ ગ્રાહકોને વેચાણકર્તાઓ અને લોજિસ્ટિક્સ પ્રદાતાઓની પસંદગી કરવાની સ્વતંત્રતા આપશે. તેથી પસંદગી, સગવડ અને પારદર્શિતાની નવી દુનિયા માટે તૈયાર થાઓ. વાણિજ્ય મંત્રાલય હેઠળ કામ કરતા ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના અધિક સચિવ અનિલ અગ્રવાલે માહિતી આપી હતી કે સરકારે આ ઈ-કોમર્સ પ્લેટફોર્મ દિલ્હી-NCR, બેંગ્લોર, કોઈમ્બતુર, શિલોંગમાં પ્રાયોગિક ધોરણે લોન્ચ કર્યું છે.
આ 5 શહેરોમાંથી લગભગ 150 રિટેલર્સ હાલમાં ONDC સાથે સંકળાયેલા છે. અત્યારે અમે એ જોવા માંગીએ છીએ કે જ્યારે તમે વાસ્તવમાં ચુકવણી, ઓર્ડર, ઓર્ડર કેન્સલેશન અને ડિલિવરી કરી રહ્યા હોવ ત્યારે તે કેવી રીતે કાર્ય કરે છે. અમારી પાસે મોટી સંખ્યામાં રિટેલર્સ અને વેપારીઓ છે. આ પ્લેટફોર્મ સાથે સંકલિત કરવામાં આવી રહ્યા છે. ઘણા લોજિસ્ટિક્સ ભાગીદારોને પણ આ સાથે જોડવામાં આવી રહ્યા છે.
સરકારને પોતાનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવવાનો વિચાર કોરોના મહામારી દરમિયાન આવ્યો હતો. આના પર કામ ડિસેમ્બર 2021માં શરૂ થયું હતું. તે સમય દરમિયાન, સરકારને ઘણા લોકો સુધી આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના કારણે સરકારને આ પ્રકારનું ઓપન ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવવાનો વિચાર આવ્યો. તેનાથી દેશના કરોડો નાના દુકાનદારોને ફાયદો થશે જેઓ હજુ સુધી ઈ-કોમર્સ ઈકોસિસ્ટમનો ભાગ બન્યા નથી.
ONDC વાસ્તવમાં એક પ્રકારની ઓપન રજિસ્ટ્રી હશે. નાના દુકાનદારો તેના પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ઈ-કોમર્સ સેગમેન્ટમાં માનકીકરણ લાવશે. આનો ફાયદો એ થશે કે રિટેલરને ઓનલાઈન માર્કેટમાં સામાન વેચવા માટે અલગ-અલગ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પોતાની નોંધણી કરાવવી પડશે નહીં. આવી સ્થિતિમાં, જો કોઈ ગ્રાહકે કોઈ વસ્તુ ખરીદવી હોય, તો તે પહેલા તેના વિસ્તારમાં આ ઓપન રજિસ્ટ્રી પર રજિસ્ટર્ડ રિટેલરને ચેક કરી શકશે. એટલું જ નહીં, ગ્રાહકને બીજો ફાયદો એ થશે કે તે પોતાનો ઓર્ડર અલગથી મંગાવી શકશે, ડિલિવરીનો વિકલ્પ પોતે પસંદ કરી શકશે.