રશિયાને લઈને ભારતે જે વલણ અપનાવ્યુ છે તેનાથી અમેરિકા નારાજ છે. વારંવાર દબાણ કર્યા પછી પણ ભારત પોતાનુ વલણ બદલી રહ્યુ નથી તો અમેરિકા હવે ધમકી આપવા પર ઉતરી આવ્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડનના આર્થિક સલાહકાર બ્રાયન ડીજે કહ્યુ છે કે, અમેરિકાએ ભારતને રશિયા સાથે ગઠબંધન કરવા સામે ચીમકી આપેલી છે. યુધ્ધ દરમિયાન કેટલાય પ્રસંગો એવા બન્યા છે જ્યારે અમે ચીન અને ભારતના વલણથી નિરાશ થયા છે.
ભારત જાે રશિયા સાથે પોતાની વ્યૂહાત્મક ભાગીદારી હજી પણ આગળ વધારશે તો ભારતને તેના પરિણામો લાંબા સમય સુધી ભોગવવા પડશે. એક કાર્યક્રમમાં બ્રાયન ડીજે કહ્યુ હતુ કે, એક તરફ અમેરિકા, યુરોપના દેશો, ઓસ્ટ્રેલિયા અને જાપાને રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે ત્યારે ભારતે તો રશિયાના હુમલાની ટીકા સુધ્ધા કરી નથી.
યુએનમાં પણ ભારત રશિયા સામેના વોટિંગથી અળગુ જ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા ભારતને રશિયા અને યુક્રેન જંગમાં રશિયા વિરુધ્ધ વલણ અપનાવવા માટે સતત ટકોર કરી રહ્યુ છે. અમેરિકાના સંખ્યાબંધ અધિકારીઓ અત્યાર સુધીમાં આ માટે ભારતની મુલાકાત લઈ ચુકયા છે પણ ભારતના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર દિલિપ સિંહે પણ ભારતને રશિયા સાથેના સબંધો આગળ નહીં વધારવા માટે અપીલ કરી હતી.