પતિ-પત્ની વચ્ચે લડાઈ સામાન્ય છે. પરંતુ ક્યારેક આ નાનો ઝઘડો ખૂબ ગંભીર બની જાય છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના રાયગઢથી સામે આવ્યો છે, જ્યાં પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી પત્નીનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો હતો. ગુસ્સામાં આવીને મહિલાએ પોતાના 6 બાળકોને કૂવામાં ફેંકી દીધા અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં તેના 6 બાળકોના મોત થયા હતા.
મળતી માહિતી મુજબ, આ મામલો રાયગઢના મહાડ તાલુકાના ધલકાઠી વિસ્તારનો છે. રૂના સહાની નામની મહિલાને તેના પતિ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ મહિલાએ ભયાનક પગલું ભર્યું હતું. મહિલાએ પહેલા પોતાના 6 બાળકોને કૂવામાં ફેંકી દીધા અને પછી પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જો કે આ ઘટનામાં મહિલાનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેના 6 બાળકોના મોત થયા હતા.
માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી તમામ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. સ્થાનિક ધારાસભ્ય ભરત ગોગાવલેએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટના અંગે પૂછપરછ કરી હતી. તેમણે પોલીસને આ મામલે જરૂરી તમામ કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, બાળકો સાંજે રમવા માટે બહાર ગયા હતા, ત્યારપછી તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ મામલે તપાસ ચાલી રહી છે. ગામના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બનાવને પગલે ગામમાં શોકનો માહોલ છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે અને કામના સંબંધમાં મહાડમાં સ્થાયી થયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે મહિલાનું તેના પતિ સાથે ઝઘડો થઈ ગયો અને તેણે ગુસ્સામાં આવું કર્યું. જો કે તેમના ઝઘડા પાછળનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે