એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના 10મા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીથી આજે કોણ પરિચત નથી. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનની ઊંચાઈએ પહોંચવાની કહાની તમે ઘણી વખત સાંભળી હશે, પરંતુ અંબાણી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો છે જે કદાચ તમે નહીં જાણતા હોવ. આજે તેઓ તેમનો 65મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અહીં અમે મુકેશ અંબાણી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી રહ્યા છીએ.
ભવિષ્યમાં તે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં મોટાપાયે રોકાણ કરવાની યોજના ધરાવે છે. ભારતના બીજા સૌથી અમીર મુકેશ અંબાણી મંગળવારે 65 વર્ષના થયા. તેમનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ થયો હતો. તમને જણાવી દઈએ કે મુકેશનો જન્મ ભારતમાં નહી પરંતુ દેશની બહાર થયો હતો. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના પુત્ર મુકેશનો જન્મ યમનમાં થયો હતો. ધીરુભાઈ તે સમયે યમનમાં વેપાર કરતા હતા.
મુકેશ અંબાણી કોલેજ ડ્રોપઆઉટ છે. 1980ના દાયકામાં મુકેશ અંબાણી કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ ભારતમાં તેમના પિતાનો બિઝનેસ સંભાળવા અને MBAનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દેવા માટે તેમને ભારત પાછા ફરવું પડ્યું હતું. મુકેશ અંબાણીએ તેમના પિતા ધીરુભાઈ અંબાણીની સાથે મળીને 1981માં રિલાયન્સ પેટ્રોલિયમ કેમિકલ્સની શરૂઆત કરી હતી.
લાંબા સમયથી એશિયાના સૌથી અમીર વ્યક્તિ રહેલા મુકેશ અંબાણી વિશે બીજી એક રસપ્રદ વાત એ છે કે તેઓ સંપૂર્ણ શાકાહારી છે. એક રિપોર્ટ અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનને ઈડલી ખાવાનું પસંદ છે. તે પોતાના રોજિંદા આહારમાં દાળ, ભાત અને રોટલી ખાવાનું પસંદ કરે છે. ભલે મુકેશ અંબાણી IPLમાં રમનારી ક્રિકેટ ટીમના માલિક છે, પરંતુ જ્યારે રમતની વાત આવે છે ત્યારે તેમની પ્રથમ પસંદગી ક્રિકેટ નહીં પણ હોકી રહી છે.
શાળાના દિવસોમાં મુકેશને હોકીની રમત પ્રત્યે ઊંડો પ્રેમ હતો. આ લગાવ એટલો બધો હતો કે તેની અસર તેના અભ્યાસ પર પણ પડી. મુકેશ અંબાણી પોતાના સ્વભાવ અને ડ્રેસિંગ સેન્સના મામલે ખૂબ જ સરળ છે. તે હંમેશા સાદો સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરવાનું પસંદ કરે છે. એક રિપોર્ટ અનુસાર તે ક્યારેય કોઈ બ્રાન્ડને ફોલો કરતો નથી. આ સિવાય તે ફિલ્મોનો પણ શોખીન છે અને અઠવાડિયામાં ત્રણ જેટલી ફિલ્મો જુએ છે.
મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા વિશ્વની સૌથી મોંઘી રહેણાંક મિલકતોમાં ટોચ પર છે. તે દક્ષિણ મુંબઈમાં 4 લાખ ચોરસ ફૂટમાં બનેલ છે. કિંમતની વાત કરીએ તો તે લગભગ 11 હજાર કરોડ રૂપિયા છે. આ મકાનમાં 27 માળ છે અને તેમાં 600 થી વધુ કર્મચારીઓ કામ કરે છે. ખાસ વાત એ છે કે ઘરના દરેક રૂમમાં તેના પિતા અને પરિવારની તસવીર લાગેલી છે.