પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વડા બિલાવલ ભુટ્ટોને નવી સરકારમાં આગામી વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે 9 એપ્રિલની મોડી રાત્રે પાકિસ્તાની સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા હતા. પ્રશ્ન એ પણ મહત્વપૂર્ણ છે કે નવી સરકારમાં વિદેશ પ્રધાન કોણ હશે? કારણ કે સંયુક્ત વિપક્ષ ઈમરાન ખાન સરકારને તેની ‘ખોટી’ વિદેશ નીતિઓને લઈને સતત નિશાન બનાવી રહ્યું હતું.
અહેવાલ મુજબ ‘પીપીપી ચીફ બિલાવલ ભુટ્ટો-ઝરદારીને પાકિસ્તાનના આગામી વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.’ મંત્રી તરીકે તેમની નિમણૂક અંગે નિર્ણય લેશે. બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર છે. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના પૌત્ર છે.
ઈમરાન ખાનના નેતૃત્વની ટીકા કરતા બિલાવલે કહ્યું કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) સરકારે વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ને વિવાદાસ્પદ બનાવી દીધી છે. નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, બિલાવલે પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી પર પ્રહારો કર્યા અને પૂછ્યું કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં કેમ હાજર ન હતા. આ બેઠકમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની આગેવાની હેઠળની સરકારને તોડી પાડવાના કહેવાતા ‘વિદેશી ષડયંત્ર’ પર ચર્ચા કરવામાં આવી હતી.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગત 9 એપ્રિલે ઈમરાન ખાનની સરકાર પડી ગઈ હતી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા વોટિંગમાં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ 174 વોટ પડ્યા હતા. પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં 342 બેઠકો છે અને બહુમતીનો આંકડો 172 છે. આ રીતે ઈમરાન ખાને 3 વર્ષ 7 મહિના વડાપ્રધાન રહ્યા બાદ પોતાનું પદ છોડવું પડ્યું હતું. અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી હટાવવામાં આવેલા તેઓ પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન છે.