જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકાર ફરી એકવાર તમને સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. તમે પણ સરકારની સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23ની પ્રથમ શ્રેણી હેઠળ સોનું ખરીદી શકો છો. સોનું ખરીદવાની આ સ્કીમ 20 જૂનથી પાંચ દિવસ માટે ખુલશે. આ માટે ઈશ્યુની કિંમત 5,091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ માહિતી ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા આપવામાં આવી છે.
સરકારી ગોલ્ડ બોન્ડ (SGB) સ્કીમ 2022-23ની પ્રથમ શ્રેણી 20 અને 24 જૂન, 2022 વચ્ચે ખરીદી માટે ખુલશે. સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.” આરબીઆઈએ જણાવ્યું હતું કે, “ગોલ્ડ બોન્ડ માટે અરજી કરનારા અને ઓનલાઈન અથવા ડિજિટલ રીતે ચૂકવણી કરનારા રોકાણકારો માટે ઈશ્યુની કિંમત ગ્રામ દીઠ રૂ. 50 ઓછી હશે.” આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,041 રૂપિયા પ્રતિ ગ્રામ છે.
સ્વર્ણ બોન્ડ યોજના 2022-23ની બીજી શ્રેણી 22 થી 26 ઓગસ્ટ સુધી અરજી માટે ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય બેંક ભારત સરકાર વતી બોન્ડ જારી કરે છે. આ માત્ર નિવાસી વ્યક્તિઓ, હિંદુ અવિભાજિત પરિવારો (HUF), ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓને વેચી શકાય છે. છેલ્લા નાણાકીય વર્ષ 2021-22માં, કુલ રૂ. 12,991 કરોડના મૂલ્યના 10 હપ્તાઓમાં SGBs બહાર પાડવામાં આવ્યા હતા.
સબ્સ્ક્રિપ્શનની મહત્તમ મર્યાદા વ્યક્તિઓ માટે ચાર કિલો, HUF માટે ચાર કિલો અને ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે 20 કિલો છે. ગોલ્ડ બોન્ડ સ્કીમ સૌપ્રથમ નવેમ્બર 2015માં લાવવામા આવેલી સોનાની ભૌતિક માંગ ઘટાડવાના હેતુ સાથે રજૂ કરવામાં આવી હતી.