Gujarat News: કચ્છની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર દર્શના દેવીજીએ કચ્છના ખાવડાથી ધોળાવીરાને જોડતા ‘રોડ ટુ હેવન’ની સફર કરી હતી. સ્વર્ગ સમાન સુંદર રસ્તો એવા ‘રોડ ટુ હેવન’ની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આહલાદક અનુભૂતિ કરી હતી.
બંને બાજુ અફાટ રણ વચ્ચેથી સોંસરવો નીકળેલો રોડ આહલાદક અનુભવ કરાવે છે. ‘રોડ ટુ હેવન’ તરીકે પ્રસિદ્ધ થયેલો આ માર્ગ સાંતલપુર-ઘડુલી હાઈ-વેનો ભાગ છે. રણને ચીરીને નીકળતા આ રોડની ફરતે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે. જ્યારે ઉનાળા બાદ દરિયાઈ પાણીના સુકાઈ જવાથી મનમોહક સફેદ રણ બને છે.
કચ્છના આંગણે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી સાથે કચ્છના ખડીર બેટ સ્થિત વૈશ્વિક ધરોહર હડપ્પીન સભ્યતાના ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ધોળાવીરા મ્યૂઝિયમ ખાતે પુરાતત્વ વિભાગના અધિકારીઓ દ્વારા હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા વિશે મોડેલ દ્વારા રાજ્યપાલશ્રીને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.
રાજ્યપાલે કુલ કેટલા વિસ્તારમાં આ મહાનગર ફેલાયેલું હતું, હાલ કોઈ સંશોધન ચાલું છે કે કેમ, નગરની ગટર વ્યવસ્થા, સમકાલીન મહાનગરો અને સભ્યતાઓ વગેરે બાબતોની રસપૂર્વક પૃચ્છા કરી હતી.
મ્યુઝિયમ ખાતે રાજ્યપાલે મહાનગરની રચના, તબક્કાવાર વિકાસ અને સંશોધન સહિતની બાબતોને પ્રદર્શિત કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિહાળી હતી. મ્યૂઝિયમની મુલાકાત બાદ તેમણે હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા સાઈટની મુલાકાત લીધી હતી. ધોળાવીરા મહાનગરનો કેવી રીતે તબક્કાવાર વિકાસ થયો અને શ્રેષ્ઠ નગર નિયોજન સાથે ધોળાવીરા માનવ સભ્યતાના એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઊપસી આવ્યું તેના વિશે જાણીને તેઓ પ્રભાવિત થયા હતા.
આ મુલાકાત દરમિયાન વર્ષો જૂની હડપ્પન સંસ્કૃતિ, સભ્યતા અને રહેણીકરણી, મહાનગરમાં પાણી સંગ્રહની અદભૂત વ્યવસ્થા અને એકબીજા સાથે જોડાયેલા કુવાઓ, સુરક્ષિત દિવાલોની બનાવટ અને તકનીક, પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી, અનાજના કોઠાર વગેરેનું તેમણે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
‘સોના કિતના સોના હૈ…’ ભારતમાં સૌથી વધુ સોનું કોની પાસે છે? 2,26,79,618 કિલોના માલિક કોણ છે?
ધોળાવીરા સાઈટ જોવા પધારેલા અન્ય પ્રવાસીઓ સાથે રાજ્યપાલે વાર્તાલાપ કર્યો હતો. શૈક્ષણિક પ્રવાસે આવેલા બાળકો અને શિક્ષકો સાથે વાત કરતાં તેમણે શિક્ષકોને આ બાળકોને વર્ષો જુની ભારતની સંસ્કૃતિ કેટલી મહાન હતી, જ્યારે દુનિયાના લોકો ઝાડ-પાંદડાંના વસ્ત્રો ધારણ કરતા ત્યારે આપણા પૂર્વજોએ આયોજિત મહાનગરો વિકસાવ્યા હતા એવી મહાન સભ્યતા વિશે માહિતી આપવા જણાવ્યું હતું.