અમદાવાદ શહેર ખાતે રવિવારના રોજ કચ્છી નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ પછીના પહેલા રવિવારે કચ્છી સમાજ, અમદાવાદ દ્વારા કચ્છીઓ માટે સ્નેહ મિલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં મૂળ કચ્છના વતની અને અમદાવાદમાં વસવાટ કરતા ઉદ્યોગ સાહસિકો, વ્યાપારી, બિઝનેસમેન સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી સમાજ, અમદાવાદ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં કચ્છીઓ એક મેકને વ્હાલભેર મળ્યા હતા અને એક બીજાને કચ્છી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
અમદાવાદના કચ્છી સમાજ-દ્વારા અપાઢી બીજ (કચ્છી નૂતન વર્ષ)ની ઊજવણીના ભાગરૂપે અમદાવાદના એચ.કે. કોલેજ હોલમાં એક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમા અમદાવાદ-ગાંધીનગર સ્થિત કચ્છી પરિવારોમાંથી અતુલભાઈ સોનીના વડપણ હેઠળ કચ્છી ગૌરવ સમિતિ દ્વારા પસંદ કરાયેલી ઉત્તમ સાત પ્રતિભાઓને ‘કચ્છી ગૌરવ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતી સામાજિક નાટક ‘સંગાથે સુખ શોધીએ’ રજુ કરાયું હતું.
શ્રી કચ્છી સમાજ-અમદાવાદના પ્રમુખ અશોકભાઈ મહેતાએ તેમના વક્તવ્યમાં કહ્યું કે, આ વખતે શ્રી કચ્છી સમાજ-અમદાવાદ દ્વારા વિશેષ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અમદાવાદ-ગાંધીનગર સ્થિત કચ્છી પરિવારોની ઉત્તમ પ્રતિભાઓને કચ્છી ગૌરવ એવોર્ડ દરેક એવોર્ડ વિજેતાને કચ્છી પાઘડી પહેરાવી એવોર્ડની સાથે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
કચ્છી ગૌરવ સમિતિ દ્વારા આ એવોર્ડ માટે ઉત્તમ પ્રતિભાઓની શોધ કરવાની શરૂઆત થઈ ત્યારે સમાજમાં અનેક પ્રતિભાઓના દર્શન થયા હતા. તેમાંથી મુખ્ય પ્રતિભાઓ જેમાં પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના મેઘજીભાઈ પટેલ, સીમ્સ હોસ્પિટલના ડૉક્ટર ધીરેન શાહ, ક્લબ બેબીલોનના સ્થાપક અશોક રઘુરામ ઠક્કર, વિવિધ કોલ્ડ સ્ટોરેજના પ્રણેતા શશીકાંત પીડોરીયા, આર્ટ તથા કલ્ચર એક્ટિવિટીના પ્રવિણાબહેન મહીચા, ચંદ્રકાંત દેઢીયા સમાજસેવક અને સ્કીલ ટ્રેનિંગ આપી અસંખ્ય લોકોને પગભર કરનાર દિપકભાઈ ચૌહાણની પસંદ કરી તેઓને કચ્છી ગૌરવ એવોર્ડ એનાયત કરાયા હતા. આ પ્રસંગને સફળ બનાવવા પ્રમુખ અશોકભાઈ મહેતા સાથે હિમાંશુભાઈ ઠક્કર, મનુભાઈ કોટડીયા અને એન્કર અલ્પાબહેન શાહ સહિત અનેક કાર્યકરોએ અથાગ મહેનત કરી હતી.
આ વર્ષે કચ્છી સમાજ દ્વારા અમદાવાદમાં રહેતા કચ્છના મહાનુભાવોનું એવોર્ડ અને પ્રમાણપત્ર આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મીની કચ્છના દર્શન થયા હતા. શ્રી કચ્છી સમાજ અમદાવાદ દ્વારા તા. કચ્છ સાથે સંકળાયેલા સભ્યોએ આ કાર્યક્રમને ઉત્સાહભેર માણ્યો હતો. પરિવાર સાથે બેસીને માણી શકાય તેવું સામાજિક કોમેડી ગુજરાતી નાટક સૌએ માણ્યું હતું.
આ પ્રસંગે તમામ જ્ઞાતિના કચ્છ સાથે સંકળાયેલા વિવિધ ઘટક સમાજના હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ અશોકભાઈ મહેતા તથા મંત્રી અને કન્વીનર હિમાંશુભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે કાર્યક્રમના ચાર ચાર લગાવી દીધા હતાં.
કચ્છી સમાજ દ્વારા મૂળ કચ્છના વતની માટે કચ્છી નવા વર્ષની શુભેચ્છા પેટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજનમાં ઉપસ્થિત દાતાઓ, કાર્યકરો સહિતના લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કચ્છી સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ અત્યંત સુંદર અને સફળ રહ્યો હતો. જેને લઈને અહીં ઉપસ્થિત તમામ લોકોએ આયોજકોની પ્રશંસા કરી હતી.
અમદાવાદ શહેરમાં મીની કચ્છનો માહોલ જાેવા મળ્યો હતો. ઉપસ્થિત તમામ લોકોએ ભવિષ્યમાં પણ કચ્છી સમાજ આવા કાર્યક્રમનું આયોજન કરતો રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.