Ahmedabad News: સામાન્ય રીતે એવુ કહેવાય છે કે જો તમારી અંદર હિમંત્ત અને મહેનત નામની દવા હોય તો દુનિયાનો કોઈ રોગ કે અડચણ તમને આગળ વધતા રોકી નથી શકતી. એનાથી પણ વિશેષ દિવ્યાંગો માટે કોઈ કવિ મિત્રેએ સરસ લખ્યું છે કે, જેવી રીતે દિવાલ ચીરીને કુંપળ કંઈ ખાસ નીકળે એવી રીતે દિવ્યાંગોની છાતી ચીરો તો આત્મવિશ્વાસ નીકળે… તો આજે આવા જ એક દિવ્યાંગ લેડીની વાત કરવી છે કે જેમના આત્મવિશ્વાસના આખા ભારતે દર્શન કર્યા છે. આ લેડીનું નામ એટલે કે ગુજ્જુ સિંગર અંકિતા પટેલ.
અંકિતા બેન હાલમાં 20 ટકા વિઝન ધરાવે છે. એટલે કે 80 ટકા દ્રષ્ટિ ગુમાવી ચૂક્યા છે. છતાં તેઓ જે રીતે સૂર રેલાવે છે એ સાંભળીને ભલભલા દિગ્ગજોના માથા પણ ડોલવા લાગે છે. હાલમાં જ દિલ્હી ગુંડગાવમાં રેડિયો ઉડાન ( ઓનલાઇન પ્લેટફોર્મ) આયોજિત ચોથી સિઝન ઉડાન આઇડલમાં તેઓએ આખા ભારતના 500 જેટલા સ્પર્ધકોને પછાડી પહેલા નંબરે વિજેતા બન્યા હતા.
સાથે જ સિદ્ધિ બદલ અંકિતાને ૫૧૦૦૦ કેશ, ૨ ટ્રોફી , દોઢ મહિનાની મ્યુઝિકલ ટુર પણ પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવી હતી. રેડિયો ઉડાન દિવ્યાંગ દ્રારા જ ચાલે છે અને સમગ્ર ભારતના સિંગરોને પ્રોત્સાહિત કરવાનું સરસ કામ કરે છે. પરંતુ અંકિતાબેન માટે આ સફર સુધી પહોંચવું એ કંઈ સહેલું નહોતું. આવો એક નજર કરીએ અંકિતા પટેલની જર્ની પર…
34 વર્ષના અંકિતાબેન આમ તો મુંબઈ રહે. પરંતુ 2019માં અર્જુનભાઈ પટેલ સાથે લગ્ન થયા બાદ તેઓ અમદાવાદમાં પોતાનું સરસ જીવન વિતાવી રહ્યા છે. નાનપણથી જ સિગિંગ પ્રત્યે ભારે લગાવ હોવાથી જે જે શીખવા મળે અને જ્યાંથી શીખવા મળે એ શીખ્યા અને છેલ્લા 10 વર્ષથી સંગીતમાં જ રચ્યા પચ્યા રહે છે.
સંગીતનો મોસ્ટ પોપ્યુલર અને જરૂરી એવો વિસારદ કોર્ષ પણ પુરો કર્યો છે. હાલમાં અંકિતા અને અર્જુન બન્ને મળીને અમદાવાદના સાઉથ બોપલમાં રિધ મોનિક એકેડમી ચલાવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી ચાલતી આ એકેડમીમાંથી અંદાજે 500 જેટલા વિદ્યાર્થીઓએ ગાયન અને વાદન શીખી લીધું છે. હાલમાં પણ 7 લોકોના સ્ટાફ સાથે 125 વિદ્યાર્થીઓથી આ એકેડમી ધમધમી રહી છે. ક્લાસિક ટ્રેડિશનલ વેસ્ટર્ન બધા જ પ્રકારનું સિગિંગ અહીં શીખવવામાં આવી રહ્યું છે.
જ્યારે અંકિતાબેન 12 વર્ષના થયાં ત્યારથી જ એમનું વિઝન ઘટવા લાગ્યું હતું. હવે તેઓને 20 ટકા જેટલું દેખાય છે. પરંતુ આ જ વિઝનમાં તેઓ 200 ટકા કામ કરીને લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. જો અંકિતાબેનને મળેવા એવોર્ડ વિશે વાત કરીએ તો CM ચશક એવોર્ડ, કલ્યાણ આઇડલ એવોર્ડ, સંગીત રત્ન એવોર્ડ, વોટ ધ ફ્લેર એવોર્ડ, ગાંધીનગર સ્ટાર સિંગર એવોર્ડ, સ્પેશયલ જ્યુરી એવોર્ડ ( મરાઠી રિયાલિટી શો )… જેવા અનેક એવોર્ડ પોતાના નામે કર્યા છે.
અંકિતાબેન કહે છે કે આ બધી પ્રસિધ્ધિઓ મેળવવામાં મારા બંને પરિવારનો પણ ખૂબ જ સરસ સહયોગ રહ્યો છે. સાથે જ મારા બે ગુરુજી, પ્રથમ ગુરુ ગુરુ શ્રી પંડિત કુમાર સુરૂષે અને મારા બીજા ગુરુ નૈનેશ ઠાકોર આ બંને પાસેથી મેં મારી સંગીતની તાલીમ લીધી હતી. તેઓની પણ હું દિલથી આભારી છું.