ચોરી અને દાણચોરીના અનેક કિસ્સાઓ ગુજરાતમાં સામે આવતા રહ્યા છે. ત્યારે આ વખતે કંઈક હટકે કિસ્સો સામે આવ્યો છે. વલસાડની આ ઘટનાએ દરેકને ચોંકાવી દીધા છે. તંત્ર પણ ચેકિંગ વખતે હાફળું ફાફળુ રહી ગયું હતું. વલસાડ રૂરલ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક કારમાં બનાવેલા ચોરખાનામાંથી 2 કે 5 નહીં પણ 173 કિલો ચાંદીના પાયલનો જથ્થો ઝડપી પાડ્યો છે અને સાથે જ આવો કાંડ કરનારા ત્રણ શખ્સની અટકાયત પણ કરી છે.
જ્યારે પોલીસને શંકા ગઈ કે આ કારમાં કંઈક છે ત્યારે પોલીસે શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ કાર ચાલકે કાર ભગાડી હતી, પોલીસે પછી ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો અને ગણતરીના સમયમાં જ કારને ઝડપી પાડી હતી. કારની તલાશી લીધી તો સીટની પાછળના ભાગે એક ચોરખાનું દેખાયું, જેમાં તલાશ કરતાં 46 પ્લાસ્ટિકની બેગ મળી હતી. એમાં માત્ર ને માત્ર ચાંદીના પાયલ હતા. એનું વજન 173 કિલો ગ્રામ અને કિંમત અંદાજે એક કરોડ રૂપિયાથી વધારે થાય છે. તંત્રને આ વાતની ખબર પડતાં દોડતું થઈ ગયું હતું કે આખરે આ માલ ક્યાંથી આવ્યો અને ક્યાં જતો હતો.
મળતી વિગતો પ્રમાણે જો વાત કરીએ તો આ દાગીનાનો જથ્થો કોલ્હાપુરથી ઉદયપુર લઈ જવામાં આવતો હતો પરંતુ વલસાડ રૂરલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ કાર વલસાડ પાસેથી પસાર થઈ અને પોલીસે કાંડનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે પોલીસને જોઈ કારચાલકે કાર ભગાડી એટલે કારમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની શંકા વધારે પ્રબળ બની.
શરૂઆતમાં તો પોલીસને કારમાં કંઈ દેખાયું ન હતું, પરંતુ સીટની પાછળ ચેક કરતાં એક લોકવાળું ચોરખાનું બનાવેલું જોવા મળ્યું હતું, જે ખોલાવતાં એમાંથી એક બાદ એક 46 પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી. હવે ત્રણેય શખ્સને ભારે તપાસ હેઠળ મુકી પૂછપરછ હાથ ધરી છે. પોલીસ કારના ચોરખાનામાંથી જે 173 કિલો ચાંદીના દાગીના કબજે કર્યા છે એની કિંમત અંદાજે એક કરોડ રૂપિયા કરતાં વધુ થઈ રહી છે.