Ahmedabad News: અમદાવાદથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે જે લોકોને રડાવી રહ્યા છે, કારણ કે જીવની જેમ બનાવેલા પોતાના સપનાના ઘર હવે તૂટવા જઈ રહ્યા છે. આ વાત છે અમદાવાદના નારણપુરા વિસ્તારની કે જ્યાં લોકોના વિરોધ બાદ AMC ની કપાતની કામગીરીનો તઘલઘી નિર્ણય આજ પુરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 200 મિલકતો આજે કપાત માટે કામગીરી હાથ ધરવાની હતી પરંતુ છેલ્લે ટાણે નિર્ણય પડતો મૂકવામાં આવતા લોકોએ પણ થોડો હાશકારો અનુભવ્યો છે.
આજે બધી જ મિલકત પર બુલડોઝર ફરવાનું હતું તેના કારણે લોકો દુઃખી દુખી હતા પરંતુ આ નિર્ણય મોકૂફ રાખવામાં આવતા લોકો ગેલમાં આવી ગયા છે. સ્થાનિક દ્વારા તંત્રના નિર્ણયને વધાવીને જાણે કોઈ તહેવાર આવ્યો હોય તે રીતે ઉજવણીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. નારણપુરામાં ડિમોલેસની આજે કામગીરી હાથ ધરવામાં આવવાની હતી તે પહેલા સ્થાનિકો દ્વારા પુર જોશમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધ માટે મહિલાઓ પણ રસ્તા પર બેસી ગઈ હતી અને રડવા લાગી હતી.
આ બધા જ સીન જોઈને સરકાર પણ નમતું જોખવા માટે તૈયાર થઈ અને આખરે નિર્ણયને આજે મોકૂફ રખાતા લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઢોલ-નગારા અને ખંજરી વગાડીને લોકો તંત્ર દ્વારા આજે લેવામાં આવેલા નિર્ણયનું સ્વાગત કરી રહ્યા હોવાના વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
નારણપુરામાં રોડને 20 ફૂટ પહોળો કરવા માટે આ કપાતનો નિર્ણય લેવાયો હતો, મકાનો પર બુલડોઝ ફરે તે પહેલા નારણપુરામાં પોલીસ દ્વારા ચાંપતો બંદબોસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જોઈ શકાય છે, પરંતુ લોકોના ભારે રોષ બાદ આખરે આજના દિવસે ડિમોલેશનની કામગીરી પડતી મૂકવામાં આવી છે. આ રોડ પર બનેલા 150 વર્ષ જૂના વૃક્ષો પર કપાતમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.