પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સિદ્ધપુરમાં ભારે વરસાદથી બજારમાં પાણી ભરાયા હતા. નીચાણવાળી દુકાનો, પેટ્રોલ પમ્પ સહિત નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા. તો સરસ્વતી તાલુકાના સિરિયદ, સાંપ્રા, કંબોઇ સહિતના પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતર પર સંકટના વાદળો છવાયા છે.
મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે અચાનક જ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના ગોપીનાળામાં કમરસમા પાણી ભરાયા હતા. ત્યારે તંત્રએ ત્યાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, વાહનવ્યવહાર ઠપ થતા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્રએ તાત્કાલિક વ્યવસ્થા કરી હતી.
તંત્રએ પાણી કાઢવા માટે પમ્પ મૂકાવ્યો હતો. ત્યારે પમ્પની પાઇપલાઇન તૂટતા દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી. ત્યારે તાત્કાલિક પમ્પ રિપેર કરાવીને પાણી ઉલેચવાનું કામ હાથ ધર્યું હતું. આખરે થોડા સમય બાદ પાણી ઉતરતા એક નાળામાંથી વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો હતો.
એ જ રીતે માણાવાદર તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઈ ગયા હતા અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ વચ્ચે માણાવદર તાલુકાના ચુડવા ગામે રિક્ષા તણાઈ હોવાની ઘટના બની હતી. ચુડવા ગામમાં આવેલા વોકળામાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. આ પૂરમાં એક રિક્ષા તણાઈ ગઈ. રિક્ષામાં 12 જેટલા પેસેન્જર બેઠા હતા. તેમાંથી 9 પેસેન્જર બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જ્યારે 3 મહિલા પાણીમાં લાપતા થઈ ગઈ હતી. ત્યારે મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
લાપતા મહિલાઓ ઉપલેટા તાલુકાના લાઠ ગામની હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલાઓ ચુડવા ગામે મજૂરી કામ કરતી હતી અને ત્યાંથી પરત ફરી રહી હતી. ત્યારે આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક તરવૈયાઓને સાથે રાખીને લાપતા મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો વળી રાજ્યમાં વધુ એક વાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 5 મે સુધી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેથી ખેડૂતોને પોતાનો પાકે સુરક્ષિત જગ્યાએ ખસેડવાની અપીલ કરવામાં આવી રહી છે.