અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ચક્રવાત બિપરજોય વધુ ગંભિર રૂપમાં પરિવર્તિત થયું છે. વાવાઝોડુ બિપરજોયને લઈ રાજ્યના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ પોરબંદરથી હાલ 460 કિલોમીટર દૂર છે. બિપરજોય વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. આગામી 15 જૂન સુધીમાં વાવાઝોડું રાજ્યના દરિયાકિનારે ટકરાવવાની સંભાવના છે. વાવાઝોડાના પગલે રાજ્યના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલ વાવાઝોડાને લઈ એક્શનમાં
બીપરજોય વાવાઝોડાને કારણે રાજ્યનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ બન્યું છે. બિપરજોય વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. સાયક્લોનની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયા કિનારાના જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી. તેમણે કલેક્ટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવાનો આદેશ આપ્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર અને રાહત કમિશનર પણ જોડાયા હતા.
વાવાઝોડાને પગલે દરિયામાં જોવા મળ્યો કરંટ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. બિપરજોય વાવાઝોડને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદના દરિયામાં બિપરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. અચાનક જ દરિયાના પાણીનો રંગ પણ બદલાયો છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાનું શરૂ થયું છે. જેના કારણે દરિયાકાંઠે પહોંચેલા લોકોને દરિયાથી દૂર જવાની સૂચના આપી દેવામાં આવી છે. પાલિકાનું ફાયર વિભાગ પણ દરિયાકાંઠે તૈનાત કરી દેવામાં આવ્યું છે. સ્થાનિકોને દરિયા કિનારે ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.
વૃક્ષ કટિંગની કામગીરી શરૂ કરાઇ
બિપરજોય વાવાઝોડાને લઈને પોરબંદર તંત્ર એક્શનમાં આવી ગયું છે. મોટા વૃક્ષોનું કટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર ફાઈટરની ટીમે વૃક્ષ કટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભારે પવન ફૂંકાતા કોઈ જાનહાનિ ન થાય તે માટે વૃક્ષ કટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા ભયાનક અને નમી ગયેલા વૃક્ષોનું કટિંગ શરૂ કરાયું છે.
દ્વારકા બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું
વાવાઝોડાની આગાહીને પગલે દ્વારકાના બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તમામ બંદરો પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બંદર પર લાંગરવામાં આવેલી તમામ બોટને સલામત સ્થળે ખસેડાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સૂચના આપી છે. દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેવા તંત્રએ અપીલ કરી છે.
વાવાઝોડાના અસરના ભાગરૂપે સિગ્નલ બદલવામાં આવ્યું
વાવાઝોડાને લઈ મોરબી જિલ્લા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. નવલખી બંદરે 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. નવલખી બંદરે 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના અપાઈ છે.
ડુમસ બીચ તરફ જવાનો રસ્તો બંધ કરાયો
બિપરજોય વાવાઝોડાના આગાહીને પગલે જામનગરના પણ તમામ બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ દરિયા કાંઠે લોકોને અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. આજે સતત બીજા દિવસે ડુમસ બીચ લોકો માટે બંધ રાખવામાં આવ્યો હતો. પોલીસે રોડ પર ડુમસ બીચ બંધ હોવાના પોસ્ટર લગાવ્યા છે. ડુમસ બીચ તરફ જવાનો રસ્તો બેરીકેટ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો છે. રવિવાર હોવાથી બીચ પર લોકો ન પહોંચે તેને લઈ તંત્ર અલર્ટ થઈ ગયું છે.
આ પણ વાંચો
વાવાઝોડા બિપોરજોયે ફરી પોતાની દિશા બદલી, ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની બિપરજોય વાવાઝોડાને લઈ મોટી આગાહી, આ જીલ્લામાં પડશે અતિભારે વરસાદ
ધામળેજ બંદર પર પણ વાવાઝોડાની અસર
ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ધામળેજ બંદર પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ધામળેજ બંદર પર દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં કરંટ સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે.