સુરત એવું શહેર છે કે જેના પર કોઈ ઘાત બેઠી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આપઘાતના કિસ્સાઓ અને હાર્ટ એટેકના કિસ્સાઓ ખુબ જ બની રહ્યા છે. શહેરમાં અવાર નવાર કોઈને કોઈ અનિચ્છનીય ઘટનાઓ બનતી આવી છે. એ જ અરસામાં આજે ફરીથી ખુબ જ દુ:ખદ ઘટના સામે આવી છે. સુરત શહેરમાં એક જ દિવસમાં પાંચ વ્યક્તિઓએ જીવન ટૂંકાવી લેવા ચારેકોર હાહાકાર મચી ગયો છે.
આ પાંચ વ્યક્તિઓની વિગતો મળી રહી છે કે બે વ્યક્તિઓ બિમારીથી કંટાળી તો અન્ય એક વ્યક્તિએ નોકરી છૂટી જવાથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુરતમાં આપઘાતનાં કિસ્સાઓમાં ચોંકાવનારો આ વધારો હવે સમગ્ર ગુજરાતને હંફાવી રહ્યો છે અને ડરાવી રહ્યો છે.
સુરત શહેરમાં એક જ દિવસમાં પાંચ વ્યક્તિઓએ જીવન ટૂંકાવી લેવાની ઘટનાથી સરકારમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ તમામ લોકોએ કોઈને કોઈ કારણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. શહેરનાં જકાતનાકા, રામપુર, સચિન અને ડીંડોલી વિસ્તારમાં બન્યા હોવાની વિગતો સામે આવી રહી છે. એમાં પણ જકાતનાકા વિસ્તારમાં બે લોકોએ આપધાત કરી લીધો છે. જેમાં પેટની તકલીફના કારણે હેમાબેન ભંડેરીએ કંટાળીને જીવન ટૂંકાવી દીધું છે. આ સાથે આ જ વિસ્તારમાં હિરાના વ્યવસાય સાથે જોડાયેલા ભૌતિક નાકરાણીનો પણ આવા જ કંઈક કારણોસર જીવ ગયો છે.
આ સિવાયની પ્રાપ્ય વિગતો અનુસાર રામપુરામાં બળવંતભાઈ દિલ્લીવાળાએ આપધાત કરી લીધો છે. વિગતો મુજબ માનસિક બિમારીથી પીડાતા બળવંતભાઈએ ગળે ફાંસો ખાઈ લીધો. તો વળી આ તરફ સચિન વિસ્તારમાં નોકરી છૂટી જવાથી રૂપેશ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. એ જ રીતે ડીંડોલી વિસ્તારમાં એક અજાણ્યા ઈસમે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ રીતે 5 વ્યક્તિની આત્મહત્યાથી આખું શહેર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે.