આ સિઝનમાં જ બે વખત માવઠુ પડી ગયું છે અને હવે ત્રીજા માવઠાને લઈ પણ આગાહી કરી છે. ત્યારે માવઠાથી થયેલ નુકસાનનું વળતર પણ ખેડૂતોને નથી મળ્યું અને જેના કારણે ગુજરાતના ખેડૂતો ભારે રોષે ભરાયા છે. સુરેન્દ્રનગરના ખેડૂતોએ તાત્કાલિક વળતર ચૂકવવા સરકાર સામે માંગ પણ કરી છે. જો કે મોટી વાત એ છે કે 3 વર્ષમાં 8 વખત માવઠું થયું પણ વળતર ના મળ્યાના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે. ખેડૂતોએ કહ્યું કે, ચાલુ વર્ષે માવઠાથી પાકને ભારે નુકસાન થયું છે. લાખો કરોડો રૂપિયા ધોવાા છે પરંતુ સરકાર માત્ર આશ્વાસન જ આપે છે પણ વળતર કોઈ આપતું જ નથી.
ખેડૂતોએ આગળ વાત કરી કે નુકસાની અંગે યોગ્ય રીતે સર્વે પણ નથી કરાતો. તાત્કાલિક ખેડૂતોને વળતરના રૂપિયા મળવા જોઈએ એવી અમારી આકરી માંગ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી માવઠાનો માર સહન કરવો પડી રહ્યો છે. એક અનુમાન પ્રમાણે 3 વર્ષમાં 8 વખત માવઠું પડ્યું છે. ત્યારે ખાસ કરીને જિલ્લામાં ખેડૂતોની આર્થિક રીતે 3 વર્ષમાં મોટી નુકસાની થઈ છે. ત્યારે આ વર્ષે પણ સતત માવઠાના પગલે ખેડૂતોના ઉત્પાદનને વ્યાપક નુકસાન છે. જેમાં જીરું, વરિયાળી, એરંડા, કપાસ, ઇસબગુલ, ડુંગળી જેવા પાકોને નુકસાન થયું છે.
આ નુકસાન લાખો અને કરોડોમાં છે. સરકાર દ્વારા માવઠાના પગલે સર્વે કરી અને ખેડૂતો જે મુખ્યમંત્રી પાક વીમા યોજના અંતર્ગત સહાય ચૂકવાની જાહેરાત તો કરાઈ છે, પણ જિલ્લામાં માવઠાથી ખેતી નુકસાનનો સર્વે પણ યોગ્ય રીતે નથી કરાતો અને સહાય પણ ચૂકવવામાં નથી આવતી હોવાની વાત ખેડૂતોએ કરી છે. સુરેન્દ્રનગરના દૂધઈ ગામના ખેડૂત ગણપતભાઈ પટેલની જ વાત કરીએ તો તેણે પોતાની આપવીતી જણાવી કે સરકાર ખેડૂતોને માવઠા બાદ માત્ર આશ્વાસન આપતી રહે છે, પણ સહાય ક્યારે આપશે તે પણ સવાલ થઈ રહ્યો છે. ખેડૂતોને સરકાર માવઠા બાદ સહાય આપવા અંગે આંબા-આબલી દેખાડે છે, પણ સહાયનો રૂપિયો પણ છેલ્લા 3 વર્ષમાં ખેડૂતોના ખાતામાં જમા નથી થયો.
હવામાન વિભાગની નવી આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. જે સતત 5 દિવસ સુધી રહી શકે છે. એટલે કે 2 એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે. આ માવઠાનો ત્રીજો એક રાઉન્ડ ખેડૂતો માટે મોટો ખતરો બનીને આવશે. જો કે છેલ્લા 10 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે પાકને પારાવાર નુકસાની થવા પામી છે. માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલી જણસી પણ પલળી જવા પામી છે.
સરકારનો મોટો નિર્ણય, હવે બીજી જ્ઞાતિમાં લગ્ન કરનારને મળશે 10 લાખની સહાય, સીધા ખાતામાં જ જમા થઈ જશે
અત્યારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 2 દિવસ હજુ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં જાણે ફાગણ-ચૈત્ર માસમાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ જામ્યો છે. આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે છુટા છવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.