Ahmedabad News : અમદાવાદ શહેરના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં કાટમાળ નીચે પાંચ જેટલા લોકો દટાયા હોવાની આશંકાને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં એક માણસનુ મોત થયું છે. આ મકાન 100 વર્ષ કરતાં પણ વધારે જૂનુ હતું. અવસાન પામેલા વ્યક્તિનું નામ વિનોદભાઈ હતું અને જેઓ 58 વર્ષના હતા.
હાલમાં દુર્ઘટના બની ત્યાં સર્કલ ઓફિસરો અને સાવચેતીના પગલા લેવા માટે તંત્રના માણસો હાજર થઈ ગયા છે. બચાવ કામગીરી શરૂ થઈ છે. ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ત્યારે નાના બાળક સહિત ચાર જેટલા લોકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ફાયરબ્રિગેડ દ્વારા કાટમાળ નીચેથી ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટનાની જાણ થતા એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન કરી સતત 30 મિનિટની શોધખોળ બાદ તેઓને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ બાદ, તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, આ ધરાશાયી થનાર ધરાશાયી થયેલું ત્રણ માળનું મકાન વર્ષો જૂનું હતું.
આ પહેલા પણ અમદાવાદના મણિનગરમાં આવેલા સ્લમ ક્વાર્ટસમાં બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં અનેક લોકો કાટમાળમાં ફસાયા હતા. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમે સ્થળ પરથી 30 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા.