બોલિવૂડની મોસ્ટ સ્ટાઇલિશ અભિનેત્રી સોનમ કપૂરનું ઘર ગુંજી ઉઠ્યું છે. સોનમ કપૂર અને આનંદ આહુજા તેમના પહેલા બાળકના માતા-પિતા બન્યા છે. જેની જાણકારી સોનમે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.
અભિનેત્રી સોનમે પોસ્ટ શેર કરી જેમાં લખ્યું હતું: અમે 20 ઓગસ્ટ, 2022ના રોજ અમારા પુત્રનું સ્વાગત કર્યું છે. આ સુંદર પ્રવાસમાં અમને સાથ આપવા બદલ તમામ ડોકટરો, નર્સો, મિત્રો અને પરિવારજનોનો આભાર. આ તો માત્ર શરૂઆત છે, પરંતુ આપણે જાણીએ છીએ કે હવે આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાના છે. સોનમ અને આનંદ.
સોનમે પોસ્ટના કેપ્શનમાં બ્લુ હાર્ટ પણ શેર કર્યું છે. સોનમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મિત્રો અને ચાહકો કપલને અભિનંદન આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે સોનમ અને આનંદે માર્ચ મહિનામાં સોશિયલ મીડિયા દ્વારા તેમની પહેલી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. પ્રેગ્નેન્સીના સમાચાર શેર કરતાં સોનમે લખ્યું: ચાર હાથ, જે તમારી શ્રેષ્ઠ કાળજી રાખશે. બે હૃદય જે તમારી સાથે ધબકશે. એક કુટુંબ જે તમને પ્રેમ અને ટેકો આપશે. અમે તમારા આગમનની રાહ જોઈ રહ્યા છીએ.
સોનમે તેના પ્રેગ્નેન્સીના સમયને ખૂબ એન્જોય કર્યો હતો. સોનમ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળતી હતી. સોનમ કપૂર અને આનંદ આહુજાએ લગ્નના ચાર વર્ષ બાદ પોતાના પ્રથમ સંતાનનું સ્વાગત કર્યું છે. આ કપલે 8 મે 2018ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સોનમ તેના પતિ સાથે લંડન જતી રહી હતી.
પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો સોનમ છેલ્લે ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’માં જોવા મળી હતી. આ સિવાય તે તેના પિતા અનિલ કપૂર સાથે ‘AK Vs AK’માં જોવા મળી હતી. તેમાં તેનો કેમિયો હતો. તો હવે સોનમ આગામી સમયમાં શોમ માખીજાની ફિલ્મ ‘બ્લાઈન્ડ’માં જોવા મળશે. તેણે કોવિડ-19 રોગચાળા દરમિયાન સ્કોટલેન્ડમાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.