અફઘાનિસ્તાનના હેરાતમાં ગુજરગાહ મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો. ટોલો ન્યૂઝ અનુસાર મસ્જિદના ઈમામ મુજીબ ઈમામ રહેમાન અન્સારીનું વિસ્ફોટમાં મોત થયું છે. વિસ્ફોટમાં ઈમામ સહિત 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. હેરાતના ગવર્નરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ આત્મઘાતી હુમલાને કારણે થયો હતો. કહેવાય છે કે મસ્જિદની અંદર શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. હેરાત પોલીસના પ્રવક્તા મહમૂદ રસોલીએ જણાવ્યું હતું કે મુજીબ રહેમાન અંસારી, તેના કેટલાક ગાર્ડ અને નાગરિકો સાથે મસ્જિદ જતા સમયે માર્યા ગયા હતા. મસ્જિદના ઈમામ તાલિબાનના સમર્થક હોવાનું કહેવાય છે. જુનના અંતમાં જૂથ દ્વારા આયોજિત હજારો વિદ્વાનો અને વડીલોની વિશાળ સભામાં મુજીબ રહેમાન અન્સારીએ તાલિબાનના બચાવમાં જોરદાર વાત કરી હતી.
તાલિબાનનું કહેવું છે કે લગભગ એક વર્ષ પહેલા સત્તા સંભાળ્યા બાદ તેઓએ દેશમાં સુરક્ષામાં સુધારો કર્યો છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં મસ્જિદોને નિશાન બનાવતા અનેક વિસ્ફોટો થયા છે. સંયુક્ત રાષ્ટ્રએ અફઘાનિસ્તાનમાં વધી રહેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અફઘાનિસ્તાનમાં આવા ઘણા બ્લાસ્ટ થઈ ચૂક્યા છે. આ વખતે જે વિસ્ફોટ થયો છે તેની તીવ્રતા ખૂબ જ ઝડપી કહેવામાં આવી રહી છે. હેરાતની મસ્જિદમાં થયેલા વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી.