Ahmedabad News: શહેરના ઇસ્કોન બ્રિજ પર એક હચમચાવી દે તેવો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં બે પોલીસકર્મી સહિત નવ લોકોના મોત થયા છે. ઇસ્કોન બ્રિજ પર એસયુવી કાર અને ડમ્પર વચ્ચે પહેલા ટક્કર થઇ હતી. આ અકસ્માતને જોવા માટે ટોળું ભેગુ થયું હતુ. જે બાદ પૂરપાટ સ્પીડે આવતી જેગુઆર કારે અકસ્માત જોતા લોકોને કચડી નાંખ્યા હતા. આ જેગુઆર કાર ચલાવતો નબીરો તથ્ય પટેલ હાલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
બુધવારે રાત્રે સવા વાગ્યાની આસપાસ ઇસ્કોન બ્રિજ (Iscon Bridge) પર અક્સમાત સર્જાયો હતો. જેમાં થાર એસયુવી અને ડમ્પર વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત જોવા માટે સ્થળ પર લોકોનું ટોળું એકઠું થયું હતું. આ દરમિયાન પૂરપાટ આવતી જેગુઆર કારે બ્રિજ પર હાજર લોકોને કચડી નાંખ્યા હતા. આ અંગે પોલીસે જણાવ્યું છે કે, ઘાયલોમાં કાર ચાલક સત્ય પટેલનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ પોલીસે ઈસ્કોન મંદિર પાસેના ફ્લાયઓવરને અસ્થાયી ધોરણે બંધ કરી દીધો હતો.
તથ્ય પટેલ નામના નબીરાએ આ ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. આ યુવાન જેગુઆર કાર ચલાવી રહ્યો હતો, મળતી માહિતી મુજબ, આ યુવાન બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો છોકરો છે. આ અકસ્માતને જોનારા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. જે બાદ અકસ્માત સર્જીને ભાગવા જતા તથ્ય પટેલને લોકોએ ત્યાં જ મળીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો, જે બાદ તથ્યને પોલીસ સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં લઇ ગઇ હતી. આની સારવાર બાદ તેની ધરપકડ થઇ શકે છે, તેવી માહિતી સામે આવી છે.
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામુહિક દુષ્કર્મનો આરોપી છે. રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમદાવાદ ખાતે નોંધાઈ હતી. યુવતીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ નવેમ્બર 2020ના રોજ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.