Ambaji News: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષ સુદ પૂનમ એટલે આદ્યશક્તિ મા જગદંબાના પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આવતીકાલે પોષી પૂનમ છે જે અંતર્ગત આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા 25 જાન્યુઆરીને ગુરુવારે પોષી પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
25 જાન્યુઆરી ને ગુરુવારે હિંદુ પંચાંગ અનુસાર પોષ સુદ પૂનમ, વ્રતની પોષી પૂનમ સાથે માઘ સ્નાનનો આરંભ થશે. સાથે જ શાકંભરી નવરાત્રિ સમાપ્ત થશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા પૂનમની તિથિના દેવતા ચન્દ્ર હોવાથી આ દિવસે ચન્દ્રપૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.
અંબાજી ટ્રસ્ટ અને યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા 23 અને 24 જાન્યુઆરીના રોજ વિશ્વ કલ્યાણ અને પશુઓના કલ્યાણ માટે ગણેશ યાગ, હોમાત્મક મહા શતચંડી યજ્ઞ શરુ કરાયો હતો. જેમાં વિવિધ પ્રકારના દ્રવ્યો, પૂજન સહીત 108 વિવિધ ઔષધીઓથી માતાજીનો અભિષેક તથા હવન કરાયો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોષી પૂનમ પર્વ પહેલા અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણ દ્રારા આ યજ્ઞ પૂજન કરાયું હતું.
આ નિમિત્તે ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે. જેમાં ૫૧ થી વધારે યજમાનોની નોંધણી થયેલ છે. આ પ્રસંગે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજીના સભ્યો દ્વારા જ્યોત યાત્રા યોજી ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવશે. ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
સવારે 10:30 કલાકે શક્તિ દ્વારથી હાથી ઉપર મા અંબાની શોભાયાત્રા સમગ્ર અંબાજી નગરમાં ફરશે. જેમાં 30 કરતા વધુ વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ સાથેની શોભાયાત્રા નગર યાત્રા કરશે. આ શોભાયાત્રામાં 2.100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ અને ચાચર ચોકમાં બુંદીના પ્રસાદનું વિતરણ તેમજ શાકોત્સવ શાકભાજીનો અન્નકૂટ કરવામાં આવશે.