Gujarat News : રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. 2 દિવસ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે, તો 2 દિવસ બાદ સૂકું વાતાવરણ રહેશે. અલનીનોની અસરના કારણે વરસાદ નહિંવત્ રહેશે. ઉત્તર ગુજરાતમાં (North Gujarat) વાતાવરણ સૂકું રહેશે. હાલ વરસાદને લઈને કોઈ એક્ટિવ સિસ્ટમ નથી. વાતાવરણમાં ભેજના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો છુટોછવાયો વરસાદ થશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં હળવા વરસાદની શક્યતા જણાવવામાં આવી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની શક્યતા છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની શક્યતા છે. દાદરાનગર હવેલી, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, કચ્છમાં પણ વરસાદી માહોલ રહેશે.
અંબાલાલ પટેલની વરસાદની આગાહી
બીજી બાજુ અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 26 ઓગસ્ટ સુધી મહદ અંશે વરસાદી ઝાંપટા પડશે, 27થી 31 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. 30-31 ઓગસ્ટ ચીનમાં ચક્રવાતના કારણે વરસાદની ગતિવિધિ અટકશે. જ્યારે 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. 23 સપ્ટેમ્બરથી ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વધી શકે છે.