Gujarat Weather Update : એક તરફ હવામાન વિભાગે પણ જણાવ્યું કે, સોમવારથી વાતાવરણમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધશે. 9 મે થી અમદાવાદમાં યેલો અલર્ટની આગાહી કરાઈ છે. ત્યાર બાદ તાપમાનમાં 3-4 ડિગ્રી તાપમાન વધશે. ત્યારે આ બાજુ અંબાલાલે વાત કરી કે આ વર્ષે ચોમાસુ નિયમ સમયે એટલે કે 15 જૂનથી શરૂ થવાનું છે. હવામાનમાં ધીમે-ધીમે ભેજનું પ્રમાણ વધશે અને વાદળો સ્થિર થયા બાદ ચોમાસાની શરુઆત થશે, જો કે હાલ ચોમાસાના ચિહ્નો સારા જણાઈ રહ્યા છે. ચોમાસાની શરુઆત પહેલા આંધી-વંટોળ આવવાની પણ સંભાવનાઓ અંબાલાલે વ્યક્ત કરી છે. ચોમાસા પહેલાના જે ચિહ્નો દેખાય છે તે સાનુકૂળ જણાઈ રહ્યા હોવાનું પણ તેઓ કહી રહ્યા છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચશે એવું પણ જણાવ્યું છે.
અંબાલાલ પટેલે આગળ વાત કરતાં જણાવ્યું કે ગરમી અને કમોસમી વરસાદ વચ્ચે હવે ચોમાસું સારુ રહેશે. તેમણે કહ્યું કે, હાલ વાતાવરણમાં પશુ, પક્ષી અને જીવજંતુઓની હલચલ ચોમાસા માટે સારા સંકેત છે. આગામી સમયમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ આજથી જ શરૂ થઈ ગયો હોવાનું પણ જણાવ્યું છે. જો કે આગામી સમયમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાશે. બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતને કારણે 8 મે થી ગુજરાતમાં ગરમીનો વરતારો અનુભવાશે. આગામી 10-11 મે થી ચક્રવાત રોદ્ર સ્વરૂપ ધારણ કરશે. જેમાં આણંદ અને વડોદરામાં ગરમી વધશે. જો ચોમાસું નિયત સમયે શરૂ થશે તો ખેડૂતોને પણ રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ કમોસમી વરસાદ ચારેકોર ખાબકી રહ્યો છે. જેને કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. જો કે હવે અંબાલાલે ચોમાસાની કાગડોળે રાહ જોતા હોય તો એક સારા સમાચાર આપીને ચોમાસુ સારુ રહેવાની વાત કરી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.