હાલમાં કેટલાક સમયથી રાજ્યમાં અનેક જગ્યાએ વરસેલા કમોસમી વરસાદના લીધે કેરી, ઘઉં, જુવાર, શાકભાજી સહિતના પાકોમાં ખેડૂતોને પાયમાલી સર્જાઈ છે. માવઠાને પગલે ગૃહિણીઓના બજેટમાં પણ ભારે અસર પડી છે. માવઠાને લીધે શાકભાજીની આવકમાં ઘટાડો થઈ જતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે હવે ફરીવાર માવઠાને લઈ એક આગાહી કરવામાં આવતા લોકોમાં અને ખેડૂતોમાં દુખની લાગણી છવાઈ ગઈ છે. 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ અને રાજ્યમાં તોફાની પવન સાથે 29 અને 30 માર્ચે માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગે 29 અને 30 માર્ચના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં 29 માર્ચે દ્વારકા, જામનગર, કચ્છના વિસ્તારોમાં પવન સાથે માવઠું વરસી શકે છે. તો 30 માર્ચે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોમાં વરલાદ પડવાની આગાહી કરાઈ છે. ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 34 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 33.6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર બન્યું હતું. ત્યારબાદ 33 ડિગ્રી સાથે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
હાલમાં બજારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં 50 ટકાથી પણ વધુનો ભાવવધારો નોંધાયો છે, જેને લઈ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. હવે જો વધુ વરસાદ પડે તો લીલાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઇ શકે.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, શનિવારે અમદાવાદમાં વહેલી સવારથી જ 10થી 12 કિલોમીટરની ગતિએ ઠંડો પવન ફૂંકાતા મહત્તમ તાપમાન શુક્રવાર કરતાં દોઢ ડિગ્રી ગગડીને 33 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.2 ડિગ્રી ગગડીને 21 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો વધીને 37 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24 ડિગ્રી થઈ શકે છે.
નવી આગાહી પ્રમાણે એવું તારણ સામે આવી રહ્યું છે કે 29મી માર્ચથી ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસરોથી ફરીથી વાતાવરણમાં પલટો આવશે. જેથી 29 અને 30 માર્ચે ભારે પવનો અને વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડી શકે છે.