અમદાવાદમાં ( Ahmedabad ) હત્યાનો સિલસિલો યથાવત છે. ઠક્કરનગરની હોટલમાં પ્રેમિકાએ પ્રેમી તો બાપુનગરમાં પુત્રએ વૃદ્ધ માતાની હત્યા કર્યા બાદ હવે શહેરના માધવપુરા (madhavpura) વિસ્તારમાં આવેલા ઠાકોરવાસ પાસે રહેતા એક યુવકની 7 જેટલા શખસોએ જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે, અને તંગદીલીનો માહોલ સર્જાતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન બુધવારે પોલીસ અધિકારીઓની હાજરીમાં મૃતક યુવકની અંતિમયાત્રા નીકળી હતી. આ કેસમાં પોલીસ દ્વારા કુલ 6 આરોપીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ફરાર અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર માધવપુરા વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં રહેતો કૃણાલ ઠાકોર (Krunal Thakor) નામનો ૧૯ વર્ષનો યુવક ગઇ કાલે મોડી રાતે બુલેટ લઇને બજારમાં આંટો મારવા માટે ગયો હતો. કૃણાલ માધવપુરા વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલ નજીક પાન પાર્લર પાસે ઊભો હતો ત્યારે જૂની અદાવત રાખીને સાતેક લોકો તેની પાસે આવ્યા હતા, અને તેના પર આડેધડ છરીના ઘા ઝીંકવા લાગ્યા હતા. છરીના ઘા વાગતાંની સાથે જ લોહીથી લથપથ કૃણાલ જમીન પર ઢળી પડ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં ખુદ પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા, અને કૃણાલની લાશને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને સીસીટીવી સહિતના પુરાવાના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
હત્યાને પગલે તંગદીલી સર્જાઈ
19 વર્ષીય યુવકની હત્યાના સમાચાર આગની જેમ ફેલાઈ જતાં માધવપુરા વિસ્તારમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. જેના કારણે મોડીરાતે ઝોન 2ના ડીસીપી, એસીપી, માધવપુરા પીઆઇ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે હાજર હતો અને સવારે પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. હત્યાનો ગુનો દાખલ કર્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, અને એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 6ની અટકાયત કરી હતી. મોડીરાતે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બીજા દિવસે પણ PI સહિતના અધિકારીઓ માધુપુરા સર્કલ પાસે બંદોબસ્તમાં હતા અને આ દરમિયાન બુધવારે કૃણાલની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
રણબીરના કારણે આલિયા નથી કરતી લિપસ્ટિક! અભિનેત્રીએ ખુદ ખુલાસો કર્યો-રણબીરને કોરા હોઠમાં જ મજ્જા આવે…
200 કરોડનો આંકડો પાર કર્યા બાદ સની દેઓલ અને ટીમ ફૂલ મોજમાં, જુઓ પ્રાઈવેટ જેટના અંદરનો વીડિયો
અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત
શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં ચોથી હત્યાની ઘટના બનતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. શાહપુરમાં રીસામણે આવેલી પત્નીને મનાવવા માટે આવેલા યુવકને એસિડ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો જ્યારે ઠક્કરનગરની હોટલમાં પ્રેમી યુગલ વચ્ચે ઝઘડો થતાં પ્રેમિકાએ પ્રેમીની હત્યા કરી હતી. બંને જણાં લગ્ન કર્યા વગર છેલ્લા પાંચ વર્ષથી સાથે રહેતાં હતાં. પ્રેમિકાએ પ્રેમીને ધક્કો મારીને તેનું માથું દીવાલે પછાડતાં યુવકનું મોત થયું હતું. જ્યારે બાપુનગરના શાસ્ત્રીનગરમાં મકાનનો કબજા બાબતે દીકરાએ માતાને બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પુત્રએ હત્યા કર્યા બાદ પોતે એસિડ પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી જ્યાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.