Education News: કેનેડાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. માત્ર ત્રણ મહિનામાં કેનેડા જતા ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યા 86 ટકા ઘટી ગઇ છે. આનું મોટું કારણ ખાલિસ્તાની કનેક્શન હોવાનું માનવામાં આવ્યું છે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આ વાતનો સ્વીકાર કર્યો છે.
નિજ્જરની હત્યા બાદ માહોલ બગડ્યો
કેનેડામાં ખાલિસ્તાની નિજ્જરની હત્યાની અસર ભારતથી ત્યાં જતા વિદ્યાર્થીઓ પર પડી છે. નિજ્જરની હત્યા બાદથી વિવાદ વધતો જઈ રહ્યો છે. આ હત્યામાં ભારતીય એજન્ટ્સનો હાથ હોવાનું કહેવાય છે. આ જ કારણે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા તરફ જવાનું ટાળી રહ્યાં છે તેવું પણ કહેવાય છે.
શું કહ્યું કેનેડિયન મંત્રીએ..?
કેનેડા મંત્રી મિલરે જણાવ્યું કે, આવનારા સમયમાં કેનેડામાં આવતા ભારતીયોની સંખ્યામાં વધુ ઘટાડો આવી શકે છે. આ આંકડા પર બે દેશોની વચ્ચે વધતા તણાવની અસર જોવા મળી શકે છે. આ કારણે ગત વર્ષના ચોથા ત્રિમાસિકમાં ભારતીયોને સ્ટુડન્ટ વિઝા જાહેર કરવામાં ગત વર્ષની સરખામણીમાં 86 ટકાનો ઘટાડો આવ્યો છે.
આટલા ઘટી ગયા આંકડા
કેનેડા સરકારે આપેલા આંકડા અનુસાર 1,08, 940 વિદ્યાર્થીઓના સ્ટૂડન્ટ વિઝા પહેલા રિલીઝ કરાયા હતા. જ્યારે કે ગત ત્રિમાસિકમાં આંકડો ઘટીને 14, 910 થયો છે.
ભારતના વિદ્યાર્થીઓ માટે અન્ય વિકલ્પ
ઓટાવામાં ભારતીય હાઈકમિશન સી ગુરુમ ઉબ્રમણ્યને કહ્યું કે, કેટલાક કેનેડિયન સંસ્થાઓમાં હાઉસિંગ ક્રાઈસીસ અને શિક્ષણની સુવિધાઓની અછતને કારણે ભારતીય વિદ્યાર્થીઓ અન્ય દેશો તરફ નજર દોડાવી રહ્યાં છે. હાલના વર્ષોમાં ભારતીયોએ કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું મોટુ ગ્રુપ બનાવ્યું છે. 2022ના વર્ષમાં સમગ્ર દુનિયામાંથી સૌથી વધુ 41 ટકા, એટલે કે 2,25, 835 પરમિટ ભારતીય વિદ્યાર્થીઓ માટે રિલીઝ કરાઈ હતી.
કેનેડાને કેટલું થશે નુકસાન?
ઉલ્લેખનીય છે કે, કેનેડા માટે વિદેશી વિદ્યાર્થીઓ હંમેશા દૂધ આપતી ગાય જેવા સાબિત થયા છે. કેનેડા સરકારને દર વર્ષે 22 અરબ કેનેડિયન ડોલરની આવક માત્ર વિદેશી વિદ્યાર્થીઓ થકી મળે છે. જેમાં ભારતીય વિદ્યાર્થીઓનો મોટો ફાળો છે. જો કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે તો કેનેડિયન સરકારને દર વર્ષે ઓછામાં ઓછા 10 અરબ ડોલરથી વધુનું નુકસાન જશે.