Vadodara News: રાજ્ય સરકારની વીજ કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા તાજેતરમાં જ વિદ્યુત સહાયક એટલે કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તા.13 માર્ચના રોજ વિવિધ સર્કલ કચેરીઓ દ્વારા પોલ ટેસ્ટ અને તા. 9 સપ્ટેમ્બરના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. હવે પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ હોવાની વિગતો સપાટી પર આવ્યા બાદ ભરતીની સમગ્ર પ્રક્રિયા જ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
જેટકો દ્વારા રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોનની સમગ્ર ભરતી પ્રક્રિયા જ રદ્દ થવા મામલે હવે ઉમેદવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. GETCO દ્વારા 1,224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીમાં ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું તપાસમાં સામે આવતા ભરતી રદ કરી દેવામાં આવી છે. જેને લઈ હવે ભરતી રદ કરાતા ઉમેદવારો મોટી સંખ્યામાં વડોદરા GETCOની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે.
GETCO દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી રદ્દ કર્યા બાદ હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે. આ તરફ ઉમેદવારોમાં ભારે આક્રોશ સાથે વડોદરા GETCOની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ સાથે અગાઉ મેરીટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોએ જેટકોના ઓફિસ બાર નિમણૂક પત્ર આપવા માટે વિરોધ કર્યો હતો.
યુવરાજસિંહ જાડેજા પણ મેદાને
તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ યુવરાજસિંહ સહિતના 5 ઉમેદવારોને GETCO કેમ્પસમાં પ્રવેશ અપાયો હતો. આ તરફ તેઓ રજૂઆત કરીને બહાર આવ્યા છે. બાકીના વિદ્યાર્થીઓ બે-ત્રણ કલાકથી GETCOની ઓફિસ બહાર ધરણા પર બેઠેલા છે. કમાવાની ઉંમરે વિદ્યાર્થીઓએ હાથમાં પુસ્તકો પકડીને પરીક્ષા માટે મહેનત કરી છે અને હવે જ્યારે પરીક્ષા પાસ કરી છે ત્યારે જેટકો ભરતી કરવાની ના પાડી રહી છે.
પાસ થયેલા ઉમેદવારોનું દર્દ…
આ સમગ્ર મામલે ઉમેદવારોએ કહ્યુ હતુ કે, પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત માત્ર એક જ ઉમેદવારે કરી છે અને બીજા કોઈ ઉમેદવારોએ કોઈ જાતની ફરિયાદ કરી નથી. આમ છતા જેટકોના અધિકારીઓએ પોલ ટેસ્ટ થયાના નવ મહિના બાદ ગેરરીતિ થઈ હોવાનુ સ્વીકારીને પોલ ટેસ્ટની સાથે સાથે લેખિત પરીક્ષા પણ નવેસરથી લેવાનુ કહીને પાસ થયેલા ઉમેદવારો સાથે અન્યાય કર્યો છે.
બીજા એક ઉમેદવારે આ સ્ફોટક મામલે આક્ષેપ નાખતા કહ્યુ હતું કે, તાજેતરમાં જ અહેવાલ સામે આવ્યો હતો કે, જેટકો દ્વારા સબ સ્ટેશનોમાં કામગીરીનુ આઉટ સોર્સિંગ કરવામાં આવશે. એવુ લાગે છે કે, જેટકોને અને સરકારને ભરતી કરવામાં રસ જ નથી અને આઉટ સોર્સિંગથી કામગીરી કરાવવી છે અને એટલે જ પરીક્ષાના નવ મહિના બાદ એક વ્યક્તિની રજૂઆતના આધારે ભરતી પ્રક્રિયા રદ કરવાની જાહેરાત કરી દીધી છે.
ક્યાં કારણે ભરતી રદ્દ કરાઈ?
GETCO દ્વારા વિદ્યુત સહાયક એટલે કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓએ 6 માર્ચ 2023થી 13 માર્ચ 2023 તથા લેખિત પરીક્ષા 9 સપ્ટેમ્બર 2023ના રોજ યોજવામાં આવી હતી. કેટલાક ઉમેદવારે વડોદરા ખાતેની GETCO કચેરીને રજૂઆત કરી હતી કે, રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ GETCO દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસાર લેવામાં આવી નથી. જે બાબતે તપાસ કમિટી દ્વારા તપાસ કરતાં ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી હતી.
બ્રશ કરતી વખતે ઉલટી થવી એ ગંભીર રોગની નિશાની, તમારા આ અંગને થઈ શકે નુકસાન
મહત્વનું છે કે, ઉર્જા વિભાગના MD દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની તમામ પ્રક્રિયા બાદ 5 દિવસમાં નિમણૂક પત્રો આપવાની વાત કરવામાં આવી હતી. આ ભરતીમાં અધિકારીઓની ભૂલ છે. અધિકારીઓની સુચના મુજબ જ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. વિદ્યાર્થીઓ મુરખ નથી, ભૂલ અધિકારીઓની જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે GETCOની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરિક્ષા 28 અને 29 ડિસેમ્બરના રોજ અલગ અલગ છ જગયાઓ પર પોલ ક્લાઈબિંગ ટેસ્ટ લેવાશે, જ્યાં 7 જાન્યુઆરી 2024માં લેખિત પરીક્ષા લેવામાં આવશે.