Chandrayaan 3 Landing : ચંદ્રયાન-3 (Chandrayaan-3) આજે એટલે કે 23 ઓગસ્ટ 2023ની સાંજે 5.30થી 6.30ની વચ્ચે ચંદ્ર પર લેન્ડિંગ થશે. ચંદ્રયાન 3નું લેન્ડિંગ દક્ષિણ ધ્રુવની નજીક થશે. ISROએ જે લૉન્ગીટ્યૂડ અને લૈટીટ્યૂડ (Longitude and Latitude) જણાવ્યું છે, તે મેનિન્જીસ ક્રેટર તરફ ઈશારો કરે છે. એટલા માટે કદાચ તેની આસપાસ લેન્ડિંગ થઈ શકે છે. અગાઉ જે ચંદ્રયાન-3 અંતરિક્ષમાં 40 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું. હવે તે કાચબાની ગતિ કરતા ઓછી ઝડપે લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-3ના લેન્ડિંગને લઈને દેશભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાં વિવિધ સ્થળોએ ચંદ્રયાન 3ના લેન્ડિંગનું લાઈવ પ્રસારણ કરાશે. આ માટે વિવિધ શાળાઓ-કોલેજો, સંગઠનો, કોર્પોરેશનને વિશેષ તૈયારીઓ કરી છે.
અમદાવાદમાં 126 LED સ્ક્રીન લગાવવામાં આવી
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ AMC દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. અલગ-અલગ વિસ્તારોમાં 126 જેટલા એલઈડી સ્ક્રીન લગાવાયા છે, જેમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગનું લાઈવ પ્રસારણ કરાશે. તો શહેરની યુનિવર્સિટી, કોલેજોમાં પણ ચંદ્રયાન 3ના લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાંની સૂચનાઓ UGC દ્વારા આપવામાં આવી છે.
યુજીસીએ યુનિવર્સિટીઓ અને કોલેજોને આપ્યો છે આદેશ
વિદ્યાર્થીઓ ચંદ્રયાન 3નું લેન્ડિંગ નિહાળી શકે તે માટે વ્યવસ્થા કરવાનો આદેશ યુજીસી દ્વારા તમામ યુનિવર્સિટીઓ-કોલેજોને આપવામાં આવ્યો છે. જેથી આજે યુનિવર્સિટીમાં ઓડિટોરિયમ કે હોલમાં વિદ્યાર્થીઓને લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે.
સાયન્સ સિટીમાં કાર્યક્રમનું આયોજન
આ ઉપરાંત આજે સાયન્સ સિટીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોની ચિત્ર સ્પર્ધા યોજાશે, ચંદ્રયાન-3નું પ્રેઝન્ટેશન થશે, નિષ્ણાંતો મિશન મુન વિશે અને તેના પડકારો વિશે જણાવશે. તો સાંજે ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ પણ બતાવાશે. ઈસરો દ્વારા પણ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર લાઈવ પ્રસારણ થશે.