ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 4થી ટેસ્ટ મેચ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ અમદાવાદ પહોંચ્યા હતા. અહીં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બંનેને લેપ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે પીએમ મોદી પર પ્રહારો કર્યા છે. દેશની સૌથી જૂની પાર્ટીએ કહ્યું કે વડા પ્રધાનની આત્મમુગ્ધતા ચરમસીમાએ છે. સાથે જ ભાજપે તેને ‘ક્રિકેટ ડિપ્લોમસી’ ગણાવી છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું, “પોતાના જીવનકાળ દરમિયાન પોતાના નામના સ્ટેડિયમમાં સન્માન લઈ રહ્યા છે. આ આત્મમુગ્ધતાની ટોચ છે.” તે જ સમયે, બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ વળતો પ્રહાર કર્યો અને તેને ક્રિકેટ ડિપ્લોમસી ગણાવી.
મોદી અને અલ્બેનીઝે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતાને 75 વર્ષ પૂરાં થવા માટે ખાસ ડિઝાઈન કરેલી ગોલ્ફ કારમાં સમગ્ર મેદાનમાં મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ પોતપોતાની ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટીવ સ્મિથને ટેસ્ટ કેપ સોંપી હતી. બંને દેશોના ખેલાડીઓને મળ્યા. આ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીત પણ વગાડવામાં આવ્યા હતા. આ પછી બંને વડાપ્રધાનોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘હોલ ઓફ ફેમ મ્યુઝિયમ’ની પણ મુલાકાત લીધી હતી.
અલ્બેનીઝ બુધવારે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા અને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચ્યા હતા. અલ્બેનીઝે કહ્યું કે તેમના દેશ અને ભારત સરકારે ઓસ્ટ્રેલિયા-ભારત શૈક્ષણિક લાયકાત માન્યતા પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપ્યું છે.