Botad News: એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ (Sagapur Dham). જે ‘કિંગ ઓફ સાળંગપુર’ ( King of Salangpur) ના નામથી ઓળખાય છે. બોટાદ (botad) જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં કિંગ ઓફ સાળંગપુર ખાતે 54 ફૂટ ઊંચી દિવ્ય મૂર્તિનું અનાવરણ કરાયું હતું. જેના પછી હનુમાન દાદાના ભક્તો ત્યાં મોટી સંખ્યામાં દાદાના દર્શને આવે છે. આવમાં સાળંગપુર દાદાનુ અપમાન કરાયુ હોવાનો એક મસમોટો વિવાદ સર્જાયો છે. જેના પછી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બોટાદના સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે હવે આ વિવાદને લઈને હવે સાધુ-સંતો મેદાનમાં ઉતર્યા છે. જૂનાગઢના મહંત હરી આનંદ બાપુએ આ પ્રકારના ચિત્રને શખ્ત શબ્દોમાં વખોડ્યા છે. હરી આનંદ બાપુએ આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, આ પ્રકારના ચિત્ર અંગે સંત સમાજમાં આક્રોશ છે. સનાતન ધર્મને ઠેસ પહોંચે તેવું કૃત્ય ન કરવું જોઇએ.
તો જૂનાગઢ રૂદ્રેશ્વર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ આ કૃત્યને નિંદનીય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આવા ઢોંગી સાધુ જે ધર્મના માંચડા ખોલીને બેઠા છે, તેના કારણે અંદરોઅંદરના વિવાદથી વિધર્મીઓને પણ આનંદ થાય છે. તેથી આવા કૃત્ય કરનારને માફી નહીં મળે.
સાળંગપુરમાં હનુમાનજીના નિંદાપાત્ર મૂક્યા છે ચિત્રોઃ હરી આનંદ સ્વામી
સાળંગપુર મંદિર પરિસરમાં સ્વામીનારાયણ ભગવાનની સમક્ષ હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે, જે હવે મોટું સ્વરૂપ ધારણ કરે તેવું લાગી રહ્યું છે. સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો અંગે મહંત હરી આનંદ બાપુએ જણાવ્યું કે, સાળંગપુરમાં હનુમાનજીની મોટી મૂર્તિ બેસાડી છે, ત્યાં સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે. તેમના નિંદાપાત્ર ચિત્રો મૂક્યા છે. હનુમાનજી મહારાજ સ્વામીને પગે લાગે છે, સ્વામીના દાસ થઈને રહે એવું દર્શાવ્યું છે, જે નિંદાને પાત્ર છે.
પહેલા ભૂલો કરે અને પછી કહે હું માફી માંગુ છુંઃ ઈન્દ્રભારતી બાપુ
ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજની જે મૂર્તિ બેસાડી તેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ તેની નીચે હનુમાનજી મહારાજના જે ચિત્રો દર્શાવાયા છે, આ કઈ વ્યાજબી કહેવાય, આ ધર્મ કહેવાય, આ સંપ્રદાયની દાટ વાળવા માટે સાધુ થયા છે કે જે આજે સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા બતાવે છે, આના કારણે અમને ઘણું દુઃખ થાય છે. દર વખતે આવી ભૂલો કરીને પછી કહે કે હું માફી માંગુ છું, માફી માંગુ છું, અરે ભાઈ આવું કરીને તમારે માફી જ માંગવાની.