Gujarat News: આજે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના જામ ખીરસરા ગામે ખુશીનો કોઈ પાર નથી. તહેવાર કરતાં પણ વિશેષ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જગતના તાતની દીકરી પોતાની 1 વર્ષની પેરા મિલિટ્રી ફોર્સ BSFની ટ્રેનિંગ પુરી કરી પોતાના વતન પોતાના પરિવાર અને ગામમાં પરત ફરી છે. આ દીકરીનું નામ એટલે સગર સમાજનું ઘરેણું કદાવલા દર્શિતાબેન કરસનભાઈ.
દર્શિતાબેનનો પરિવાર ખેતીકામ પર જ નિર્ભર કરે છે. એમના પિતા ગામમાં રહીને ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરિવારમાં ત્રણેય બહેનભાઈ છે એમને ખુબ સારી રીતે ભણાવી રહ્યા છે. લોકો કદાચ દીકરીને ન ભણાવવા બાબત મેંણા ટોંણા મારતા હશે, પરંતુ આ દીકરીએ આવા તમામ લોકોની વિચારણશ્રેણી પર આજે લાફો મારવાનું કામ કર્યું છે.
દર્શિતાબેન વિશે વાત કરીએ તો તેઓએ જામ ખીરસરા ગામમાં જ પોતાનો ધોરણ 1 થી 10 સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સાયન્સ માટે ખંભાળિયા અને ગ્રેજ્યુએશન તેઓએ પોરબંદરમાં મોઢા કોલેજમાંથી કર્યું હતું. તેઓ જ્યારે 11-12 સાયન્ય કરતાં હતા ત્યારે જ નક્કી કર્યું હતું કે દેશની સેવા કરવી છે અને ફોર્સ જોઈન કરવું છે. વેકેશનમાં ઘરે આવે ત્યારે અને કોલેજના બાકીના સમયમાં તેઓ ફોર્સમાં જોઈન થવા માટે જ મહેનત કરતા અને આખરે તેઓએ પરિક્ષા પાસ કરી બતાવી. 2021-22ની ભરતીમાં તેઓએ પરિક્ષા અને મેડિકલ પાસ કરી લીધી હતી.
જો એમના ટ્રેનિંગ વિશે વાત કરીએ તો તેઓએ પશ્વિમ બંગાળમાંથી ટ્રેનિંગ લીધી છે. તારીખ 15-12-2022ના રોજ એમની ટ્રેનિંગ શરૂ થઈ અને આજે 23-10-2023ના રોજ એમની ટ્રેનિંગ પુરી થઈ. હવે આવતી 3 નબેમ્બર 2023ના રોજ તેઓ ભૂજમાં ફોર્સ જોઈન કરી દેશની સેવામાં લાગી જશે. પરંતુ વિચારવાની અને ગર્વ લીધા જેવી વાત એ છે કે દર્શિતાબેનને એક બહેન અને ભાઈ છે. આ બન્ને પણ દેશની સેવા માટે તલપાપડ છે અને મહેનત કરી રહ્યા છે. જો મોકો મળશે અને સિલેક્ટ થશે તો 100 ટકા દેશની સેવામાં લાગી જશે એવું દર્શિતાબેને જણાવ્યું હતું.
આજની યુવતીઓને જોઈએ તો મોટાભાગની યુવતીઓ ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયામાં અટવાઈને સમય પસાર કરતી રહે છે. ત્યારે આવી યુવતીઓ માટે એક ખેડૂતની દીકરી અને મહિલા સૈનિક દર્શિતાબેન સંદેશ આપી રહી છે કે પહેલા આપણે આપણા દેશનું અને આપણા ભવિષ્યનું વિચારવું જોઈએ. રિલ્સ અને સોશિયલ મીડિયા તો થતું જ રહેવાનું છે.
પરંતુ જ્યા સુધી આપણે આપણા પગભર નહીં થઈએ ત્યાં સુધી કોઈ આપણી કિંમત્ત નહીં કરે. હાલમાં જમાનો એવો છે કે દેશની સેવા માટે માતા પિતા દીકરીઓને ઓછી મોકલી રહ્યા છે. તો એવા દરેક માતા પિતાને પણ હું કહું છું કે આવું ન કરો અને સંતાનોને સપના પુરા કરવામાં સપોર્ટ કરો. જો સંતાનની સાથે એમના માતા પિતા હશે તો દુનિયાની કોઈ તાકાત એમને નહીં રોકી શકે.
દર્શિતાબેનના પિતા કરસનભાઈ કદાવલા વાત કરતાં જણાવે છે કે આજે મારે માટે મોટી ખુશીનો દિવસ છે. આખું ગામ આજે મારી દીકરીને લીધે આનંદ ઉલ્લાસમાં છે અને જશ્ન મનાવી રહ્યું છે. મે ખેતી કરીને જ મારી દીકરીને ભણાવી અને મારી મહેનત આજે લેખે લાગી હોય એવું લાગી રહ્યું છે. હજુ પણ મારી દીકરી દેશ સેવામાં આગળ ને આગળ વધે એવી અંદરથી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું.