દિલ્હી યુનિવર્સિટી (ડીયૂ)ના પીજી મેન્સ હોસ્ટેલના અધ્યક્ષ (પ્રોવોસ્ટ)એ ગત અઠવાડિયે અચાનક હોસ્ટેલમાં આવેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નોટિસ આપી કહ્યું છે કે, રાષ્ટ્રીય પાર્ટીના ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા નેતાનું આ પ્રકારનો વ્યવહાર અયોગ્ય છે.
અધ્યક્ષે નોટિસમાં હોસ્ટેલની સૂચના અને નિયમ ૧૫.૧૩નો ઉલ્લેખ કર્યો છે જેમાં કહ્યું છે કે, ‘કોઈ પણ વ્યક્તિ શૈક્ષણિક અને નિવાસી કાઉન્સિલની ગતિવિધીઓ સિવાય હોસ્ટેલ કેમ્પસમાં કોઈ પણ પ્રકારની ગતિવિધીમાં સામેલ નહીં થઈ શકે.’ રાહુલ ગાંધી પાંચ મેના રોજ યુનિવર્સિટીની પીજી મેન્સ હોસ્ટેલ ખાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓએ કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમની સાથે બપોરનું ભોજન લીધું.
એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, દિલ્હી યુનિવર્સિટી (ડીયૂ)કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એક નોટિસ આપી ભવિષ્યમાં કેમ્પસમાં કોઈ પણ ‘ગેરકાયદે મુલાકાત અંગે સચેત કરશે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વિકાસ ગુપ્તાએ કહ્યું હતું કે, ‘આ એક ગેરકાયદે મુલાકાત હતી. તેઓ જ્યારે હોસ્ટેલમાં પ્રવેશ્યા તે વખતે ઘણા વિદ્યાર્થીઓ બપોરનું ભોજન કરી રહ્યા હતા. અમે અમારા કેમ્પસમાં આ રીતે પ્રવેશને સહન નહીં કરીએ. અમે રાહુલ ગાંધીને એક નોટિસ મોકલાવીને તેમને કહીશું કે તેઓએ ફરી આ પ્રકારની કાર્યવાહી ન કરવી જોઇએ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને જોખમમાં ન મૂકવી જોઇએ.’
રાહુલ ગાંધીની મુલાકાતના એક દિવસ પછી, છ મેના રોજ યુનિવર્સિટીએ આકરું નિવેદન આપી કહ્યું હતું કે, ‘અચાનક અને અયોગ્ય પ્રવેશથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ નેતા માટે પણ સુરક્ષાની ગંભીર ચિંતા ઊભી કરી છે.’ નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘યુનિવર્સિટી મેનેજમેન્ટ આ પ્રકારના ગેરકાયદે પ્રવેશની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી પગલાં ભરશે.’