બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ મોટી મુશ્કેલીમાં છે. સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. EDએ જેકલીનની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેકલીનની 7.12 કરોડની ફિક્સ ડિપોઝીટ પણ આ અટેચ્ડ એસેટમાં સામેલ છે. ED અનુસાર સુકેશ ચંદ્રશેખરે ખંડણીના પૈસામાંથી જેકલીનને 5.71 કરોડની ભેટ આપી હતી.
સુકેશે જેકલીનના પરિવારના સભ્યોને મોંઘી ભેટ પણ આપી હતી. પરિવારને આપવામાં આવેલી ભેટમાં કાર, મોંઘી વસ્તુઓ ઉપરાંત રૂ. 1.32 કરોડ અને રૂ. 15 લાખનું ભંડોળ સામેલ હતું. જાણવા મળી રહ્યું છે કે, જેકલીન ફર્નાન્ડીઝ ઘણા સમયથી EDના રડારમાં છે. જ્યારથી જેકલીન અને સુકેશ ચંદ્રશેખર વચ્ચેના સંબંધોનો ખુલાસો થયો છે ત્યારથી જ જેકલીનનું નામ વિવાદોમાં ઘેરાયેલું છે.
સુકેશે દિલ્હીની જેલમાં રહીને એક મહિલા પાસેથી 215 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ત્યારપછી એ જ ખંડણીના પૈસામાંથી સુકેશે જેકલીનને કરોડોની મોંઘી ભેટ આપી. જેમાં હીરા, જ્વેલરી, 52 લાખના ઘોડા જેવી મોંઘી ભેટ સામેલ છે. સુકેશે આ તમામ પૈસા ગુના કરીને કમાયા હતા. એટલા માટે ED સુકેશ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. ઇડી છેલ્લા એક વર્ષથી આ કેસની તપાસ કરી રહી છે. સુકેશના છેતરપિંડીના કેસને લઈને ED દ્વારા જેકલીનની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે.
EDના જણાવ્યા અનુસાર જેકલીન ફર્નાન્ડીઝ વિરૂદ્ધ અત્યારે આ પ્રારંભિક કાર્યવાહી છે. જેકલીન આ કેસમાં વધુ ફસાઈ શકે છે. ED જેકલીનની વધુ પ્રોપર્ટી એટેચ કરી શકે છે. આ કેસમાં હજુ સુધી જેકલીનને આરોપી બનાવવામાં આવી નથી. પરંતુ EDએ જેકલીનને ક્લીનચીટ પણ આપી નથી. જેકલીનને દેશ છોડવાની પરવાનગી નથી.
જેકલીન અને સુકેશ રિલેશનશિપમાં હોવાના અહેવાલો પણ આવ્યા હતા. બંનેની પ્રાઈવેટ રોમેન્ટિક તસવીરો લીક થઈ હતી. જો કે, જેકલીન અત્યાર સુધી સુકેશ સાથેના તેના સંબંધોના સમાચારોને નકારી રહી છે. જોવાનું એ રહેશે કે આ મની લોન્ડરિંગ કેસમાં જેકલીનને બીજી કઈ મુસીબતોનો સામનો કરવો પડે છે. જેકલીન પાસે વર્કફ્રન્ટ પર ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. જેમાં રામ સેતુ, સર્કસ, વિક્રાંત રોના જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.