Appleના iPhones ભારતમાં ટૂંક સમયમાં જ બનવા જઈ રહ્યા છે. કર્ણાટકના મંત્રી એમ.બી. પાટીલે ગુરુવારે જણાવ્યું હતું કે Foxconn એપ્રિલ 2024 થી દેવનાહલ્લીમાં તેના પ્રસ્તાવિત પ્લાન્ટમાં iPhone એકમોનું ઉત્પાદન શરૂ કરશે. પ્રક્રિયાને સરળ બનાવવા માટે રાજ્ય સરકાર 1 જુલાઈ સુધીમાં કંપનીને જમીન સોંપશે. પાટીલે આ વાત જ્યોર્જ ચુના નેતૃત્વમાં કંપનીના પ્રતિનિધિઓની બેઠક બાદ કરી હતી, જેમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને બાયોટેકનોલોજી મંત્રી પ્રિયંક ખડગે પણ હાજર હતા.
50 હજાર નોકરીઓનું સર્જન થશે
આ રૂ. 13,600 કરોડનો પ્રોજેક્ટ છે જેમાં 50,000 નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. પાટીલે કહ્યું કે, દેવનાહલ્લીમાં ITIRમાં ઓળખાયેલી 300 એકર જમીન 1 જુલાઈ સુધીમાં સોંપવામાં આવશે. આ સાથે સરકાર 5 MLD પાણી, ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો, રોડ કનેક્ટિવિટી અને અન્ય પાયાની સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી કરશે.
પાટીલે જણાવ્યું હતું કે, કંપનીને કર્મચારીઓમાં ઇચ્છિત કૌશલ્ય સેટની વિગતો આપવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ લાયક ઉમેદવારોને રોજગારીયોગ્ય બનાવવા માટે તાલીમ કાર્યક્રમોની સુવિધા આપવા માટે પગલાં લેવામાં આવશે.
તાઈવાન સ્થિત બહુરાષ્ટ્રીય કંપની ફોક્સકોન કર્ણાટક ઈન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ (KIADB)ને જમીનની કિંમતના 30 ટકા (રૂ. 90 કરોડ) ચૂકવી ચૂકી છે. તેણે ત્રણ તબક્કામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને વાર્ષિક 20 મિલિયન યુનિટ્સનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે.