Gujarat Heavy Rain: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે બીજી તરફ, કેટલાક વિસ્તારમાં માત્ર સામાન્ય ઝાપટા પડ્યા હતા. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં (Dakor) ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. ડાકોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. કાલસર, આગરવા, નેસ, ધુણાદરામાં વરસાદ શરૂ થયો હતો. ત્યારે વરસાદને કારણે ભારે ઉકળાટમાંથી છૂટકારો મળ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
તો બીજી તરફ, ભાવનગર શહેર અને જિલ્લા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે શહેરના દેસાઈનગર, વિદ્યાનગર, વિઠ્ઠલવાડી, કાળાનાળા, ભીડભંજનમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે અકળાવનારી ભાદરવાની ગરમીથી લોકોને રાહત મળી હતી. તો ભાલપંથકમાં પણ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.
અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે ભિલોડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો, તાલુકાના ધોલવાણી, લીલછા, માંકરોડા પંથકમાં વરસાદ ખાબક્યો હતો. ભારે ગરમી બાદ વરસાદથી હાશકારો મળ્યો હતો.
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બે દિવસના વિરામ બાદ અંદાજે એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડતા લોકોને ભારે બફારામાંથી રાહત મળી છે, અને વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ ગઈ છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મોટાવડા, ઇટાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે મગફળી સહિતના પાકને ફાયદો થશે.
રાજકોટના ગોંડલ તાલુકામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ધોધમાર વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ભરાયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો બીજી તરફ, ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ ખાબક્યો હતો. બગસરામાં 9 મીમી, ધારીમાં 3 મીમી, સાવરકુંડલામાં 4 મીમી, ખાંભામાં 5 મીમી, જાફરાબાદમાં 13 મીમી, રાજુલામાં 46 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાજુલામાં નોંધાયો છે. રાજુલામાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.